
આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, રાજકોટ લોકસભા ઇનચાર્જ દિલીપસિંહ વાઘેલા, પ્રદેશ સંગઠન મંત્રી તેજસભાઇ ગાજીપરા, રાજકોટ શહેર પ્રમુખ રાજેશભાઇ ડાંગરિયા અને મહિલા અગ્રણી પદ્મિનીબા વાળાએ રાજકોટમાં પત્રકાર પરિષદ યોજી હતી. મીડિયાને સંબોધતા ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું કે, ઊર્જા મંત્રીએ મને લેખિતમાં આપેલા જવાબ મુજબ ગુજરાત સરકાર દર વર્ષે કરોડો રૂપિયાની વીજળી પાણીના ભાવે બીજા રાજ્યો અને ખાનગી કંપનીઓને વેચે છે. જો રાજ્યમાં વપરાશ પછી વીજળી વધતી હોય તો મોકલે તે આવકાર્ય છે, પરંતુ છેલ્લા ૨૦-૨૫ દિવસથી નવરાત્રી જેવા પવિત્ર તહેવારમાં સાંજના ૬:૦૦ થી રાતના ૯:૩૦ વાગ્યા દરમિયાન, જમવાના અને આરતીના સમયે જ ગામડાઓમાં ભયંકર પાવર કટ કરીને અંધારપટ છવાઈ જાય છે. આ અંધકાર યુગનો વિરોધ કરવા જૂનાગઢના ખેડૂતો સાથે અધિક્ષક ઇજનેરની કચેરીએ ફાનસ આપવામાં આવ્યું હતું. એકતરફ સોલાર પેનલો, પવનચક્કીઓ અને ખેડૂતોના ખેતરોમાં દાદાગીરીથી થાંભલા નાખીને મોટી વાતો કરાય છે, તો આજે આ વીજળી ક્યાં ગઈ? ‘સ્ટેગરિંગ હોલિડે’ જેવા અંગ્રેજી શબ્દો વાપરીને સરકાર વીજળીના ધાંધિયા છુપાવે છે અને રાજકોટ, જામનગર, જૂનાગઢ તથા ભાવનગરની ઇન્ડસ્ટ્રીઝને ફરજિયાત ચાર કલાક ઉદ્યોગ બંધ રાખવા દબાણ કરે છે. છેલ્લા ૩૦ વર્ષથી શાસન કરતી ભાજપ સરકારનું કોઈ મેનેજમેન્ટ જ નથી. સોલર-પવનચક્કી કંપનીઓ અને ભાજપના નેતાઓની સાંઠગાંઠ તથા ભ્રષ્ટાચારનો ભોગ ખેડૂતો અને ઉદ્યોગકારો બની રહ્યા છે. વળી, બેટરી ઉત્પાદક કંપની પાસેથી અધિકારીઓને કમિશન ન મળતા વીજ સ્ટોરેજ પ્રોજેક્ટ પણ ટલ્લે ચડાવી દેવાયો છે.
’આપ’ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ વધુમાં જણાવ્યુ હતુ કે અત્યારે ચાર-ચાર કલાકના પાવર કટ થઈ રહ્યા છે અને ભાજપના નેતાઓ ચંદ્ર અને મંગળ પર જવાની વાતો કરે છે, પણ શું ત્યાં હાથમાં ફાનસ લઈને જશો? જો તમારાથી વીજળીનું મેનેજમેન્ટ ન થતું હોય અને શાસન ન ચાલતું હોય તો ખુરશી પરથી હટી જાઓ. આગળ દિવાળી, બેસતું વર્ષ અને વેકેશનમાં ગામડાઓમાં વીજળીની માંગ હજુ વધવાની છે. આ વીજ સંકટ ઉપરાંત હવે રાજકોટ અને સમગ્ર સૌરાષ્ટ્ર પર પીવાના પાણીનો ગંભીર પ્રશ્ન તોળાઈ રહ્યો છે. ઓછા વરસાદને કારણે ડેમ, કેનાલો અને ‘સૌની યોજના’ની પાઈપલાઈનો ખાલી છે, પણ સરકાર પાસે ‘વોટર મેનેજમેન્ટ’નું કોઈ આયોજન નથી અને નેતાઓ મન કી બાત કે દીવા-થાળી વગાડવામાં મશગૂલ છે. શિયાળામાં તમામ શહેરો અને ગામડાઓમાં પીવાના પાણીની વિકટ સમસ્યા સર્જાશે. લાઈટ અને પાણી જેવી પ્રાથમિક સુવિધાઓ વિના દેશને ‘વિશ્વગુરુ’ બનાવવાની વાતો પોકળ છે. તહેવારોની આ સીઝન વેપારીઓ માટે બે પૈસા કમાવાની છે, ત્યારે ‘લોડ શેડિંગ’ અને ‘સ્ટેગરિંગ હોલિડે’ના નામે વીજળીના ધાંધિયા કરવા બિલકુલ ગેરવાજબી છે. અમે ભાજપ સરકારને ચેતવણી આપીએ છીએ કે વીજળી અને પીવાના પાણીની વહેલી તકે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે, નહિતર આમ આદમી પાર્ટી જનતાને સાથે રાખીને રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શન કરવાની ફરજ પડશે. પત્રકારના સવાલનો જવાબ આપતા ગોપાલ ઇટાલિયાએ જણાવ્યુ હતુ કે અંદરની માહિતી પ્રમાણે બેટરી કંપની પાસેથી ઉચ્ચ અધિકારીઓને જોઈએ એવું કમિશન ન મળ્યું એટલા માટે વીજળી સ્ટોર કરવાના બેટરીના પ્રોજેક્ટને ટલ્લે ચડાવી દીધો છે.




