
મૃતદેહને દાટવા કે બાળવાથી પર્યાવરણને નુકસાન પાણીમાં મૃતદેહ ‘ડીકમ્પોઝ’ કરવો સૌથી ઇકોફ્રેન્ડલી અંતિમસંસ્કાર : વૈજ્ઞાનિકો મૃતદેહને અંદર નાખ્યા બાદ ટેન્કના પાણીને ખુબ ગરમ કરવામાં આવે છે અને તાપમાનને ૯૦થી ૧૫૦ ડિગ્રી સુધી લઇ જવાય છે
મૃતદેહના અંતિમ સંસ્કાર કે અંતિમવિધિ માટે જુદી જુદી પદ્ધતિઓ અપનાવાય છે, કોઇના મૃતદેહ દાટવામાં આવે છે તો કોઇના અગ્નિસંસ્કારથી બાળવામાં આવે છે. જાેકે વૈજ્ઞાનિકોએ પાણીના ઉપયોગથી મૃતદેહનો નિકાલ કરવાની પદ્ધતિ શોધી છે. પાણીમાં મૃતદેહને ડીકમ્પોઝ કરવાની આ પદ્ધતિનો કેટલાક લોકો ઉપયોગ પણ કરી ચુક્યા છે. કેમ કે તેને વધુ ઇકો-ફ્રેન્ડલી પદ્ધતિ પણ માનવામાં આવે છે.વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ મૃતદેહને દફનાવવા કે દાટવા કરતા સળગાવવાની પદ્ધતી પર્યાવરણીય રીતે વધુ યોગ્ય માનવામાં આવે છે. જાેકે મૃતદેહ સળગાવવા માટે ફ્યઅલ, લાકડા, ઇંધણ, વીજળી વગેરેની વધુ પ્રમાણમાં જરૂર પડે છે. જ્યારે બીજી તરફ મૃતદેહ સળગાવ્યા બાદ હવામાં મોટા પ્રમાણમાં પ્રદુષિત કાર્બન ડાયોક્સાઇડ ફેલાય છે. દફનાવવા અને બાળવા સિવાય હવે ત્રીજી પદ્ધતિ પર વૈજ્ઞાનિકો ભાર મુકી રહ્યા છે. જેને બાયોક્રિમેશન, ફ્લેમલેસ ક્રિમેશન અથવા તો વોટર ક્રિમેશન એટલે કે પાણીમાં જ અંતિમસંસ્કાર તરીકે ઓળખવામાં આવે છે. જાેકે અહીંયા પાણીમાં અંતિમસંસ્કારનો મતલબ પાણીમાં મૃતદેહને પધરાવી દેવાનો નથી થતો. પરંતુ એક ટેન્કમાં પાણી ભરીને તેમાં મૃતદેહને રાખીને એક ચોક્કસ પદ્ધતીથી તેનો નિકાલ કરવામાં આવે છે. વિજ્ઞાનિકોના દાવા મુજબ આ પદ્ધતીને સૌથી વધુ ઇકો-ળેન્ડલી માનવામાં આવે છે. કેમ કે તેમાં કોઇ જ પ્રદુષિત હવા નથી ફેલાતી, અંતે માત્ર હાડકાનો પાઉડર જ બચે છે. બધી બાજુથી બંધ કરી શકાય અને પ્રેશર જનરેટ કરી શકાય તેવા એક ટયુબ કે ટેન્કમાં પાણી ભરવામાં આવે છે, બાદમાં તેના પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ નાખવામાં આવે છે.મૃતદેહને અંદર નાખ્યા બાદ આ ટેન્કના પાણીને ખુબ ગરમ કરવામાં આવે છે અને તાપમાનને ૯૦થી ૧૫૦ ડિગ્રી સુધી લઇ જવામાં આવે છે. જેમ જેમ ટેન્કમાં પ્રેશર વધતું જાય છે તેમ તે મૃતદેહ ડિકમ્પોઝ થવા લાગે છે. ખાસ વાત એ છે કે આ પદ્ધતિમાં મૃતદેહને ઉકાળવામાં નથી આવતો. આ તુરંત નહીં પણ કલાકોનો સમય લેતી પદ્ધતિ છે જેમાં અંતે એક લિક્વિડ તૈયાર થાય છે તેનો ઉપયોગ બાદમાં ખાતર વગેરેમાં કરવામાં આવે છે, જે હાડકા બચે છે તેને બાદમાં એક અવનમાં નાખીને તેનો પાઉડર બનાવી દેવાય છે અને પરિવારજનોને સોંપવામાં આવે છે. એક અમેરિકન કંપનીના દાવા મુજબ પાણીમાં અંતિમસંસ્કારની પદ્ધતિ સળગાવવાની પદ્ધતિ કરતા ૯૦ ટકા ઓછી ઉર્જાનો ઉપયોગ કરે છે.




