
અમિત શાહે કોંગ્રેસનું ભવિષ્ય ભાખ્યું ૩૦ વર્ષ સુધી કોંગ્રેસની સરકાર બનવાની નથી : અમિત શાહ અમિત શાહે રાહુલ ગાંધી પર નિશાન સાધતા કહ્યું કે, “તમે આ પ્રકારના રાજકીય ષડયંત્રોથી, ભીડશાહીથી દેશના જનાદેશને નકારી શકતા નથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે SIR અને મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર સામે વિપક્ષના વિરોધ પ્રદર્શન વચ્ચે આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે, દિલ્હીમાં એક અલગ જ ખેલ ચાલી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટી (ભાજપ) વારંવાર સત્તામાં ચૂંટાઈને આવી રહી હોવાથી વિપક્ષ ખૂબ જ પરેશાન છે. તેથી જ તેમણે “વોટ ચોરી”ની એક વાર્તા બનાવી છે.
અમિત શાહે રાહુલ ગાંધી પર નિશાન સાધતા કહ્યું કે, “તમે આ પ્રકારના રાજકીય ષડયંત્રોથી, ભીડશાહીથી દેશના જનાદેશને નકારી શકતા નથી, જાે તમારે ચૂંટણી જીતવી હોય તો લોકોની વચ્ચે રહો. લોકોની મશ્કેલીઓ અને વેદનાઓ જાણો. વિરોધ પ્રદર્શનો કરવાથી કંઈ થતું નથી. જનતાના દુ:ખ, પીડા અને અવ્યવસ્થાને દૂર કરવા માટે જ્યાં પણ તમે ચૂંટાઈને આવ્યા છો, ત્યાં યોજનાઓ લાવો, કામ કરો, નહીંતર તમારી પાસે જે થોડું ઘણું સમર્થન બચ્યું છે, તે પણ જતું રહેશે.”
દિલ્હીના નજફગઢ વિસ્તારમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે યમુના નદીની સફાઈ માટે રૂ.૮૯૪૧ કરોડના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું. આ કાર્યક્રમ દરમિયાન તેમણે કહ્યું કે, “તેઓ દાવો કરે છે કે ભારતીય જનતા પાર્ટી જનતાના જનાદેશથી નહીં, પરંતુ મત ચોરી કરીને જીતે છે. રાહુલજી, તમને અને તમારા સાથીઓને આખો દેશ સમજી રહ્યો છે અને સારી રીતે સમજી પણ ગયો છે. સતત મત ચોરીનો રાગ આલાપીને તમે વાસ્તવમાં ઘૂસણખોરોના મતોને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છો.”
તેમણે કહ્યું કે, “આજે આ મંચ પરથી હું કોંગ્રેસ પક્ષ અને તેના સાથી પક્ષોને કહેવા માંગુ છું, ક્યારેક તમે EVM પર દોષ લગાવો છો, તો ક્યારેક મત ચોરીનો આરોપ લગાવો છો. પરંતુ હું તમને જણાવી દઉં કે, કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીની મોદી સરકાર સત્તામાં આવી તે પહેલાં જ, તમે ઘણા રાજ્યોમાં ચૂંટણી જીતવામાં નિષ્ફળ રહ્યા હતા.”
અમિત શાહે કહ્યું કે, “ગુજરાતમાં તમારા પક્ષે ૪૧ વર્ષથી સરકાર બનાવી નથી, ત્યાં તમે એક પણ ચૂંટણી જીત્યા નથી. તમે ઉત્તર પ્રદેશમાં ૪૧ વર્ષથી ચૂંટણી જીત્યા નથી, બંગાળમાં ૫૪ વર્ષથી ચૂંટણી જીત્યા નથી, તમિલનાડુમાં ૬૪ વર્ષથી ચૂંટણી જીત્યા નથી, રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં ૨૮ વર્ષથી તમે સ્પષ્ટ બહુમતી સાથે સરકાર બનાવી શક્યા નથી. અરુણાચલ પ્રદેશમાં ૨ વર્ષથી ચૂંટાઈને આવ્યા નથી, મિઝોરમમાં ૧૩ વર્ષથી, મણીપુરમાં ૧૪ વર્ષથી, દિલ્હીમાં ૧૮ વર્ષથી અને આસામમાં પણ ૧૨ વર્ષથી તમે સત્તામાં આવ્યા નથી. શું આ બધું વડાપ્રધાન મોદીના આવ્યા પછી જ શરૂ થયું?
અમિત શાહે વધુમાં કહ્યું કે, “જુઓ! અમિત શાહનો જન્મ અહીં થયો છે, તેઓ અહીં રહે છે અને અહીં જ મરશે. મારે દર ૬ મહિને વિદેશ જવું પડતું નથી. હું તો આ દેશના લોકોની વચ્ચે જ રહું છું. તમે જે નકારાત્મક રાજકારણ કરી રહ્યા છો તે જાેતાં હું ચોક્કસપણે કહી શકું છું કે આગામી ૩૦ વર્ષ સુધી તમારી સરકાર ક્યારેય નહીં બને. મારી આ વાત યાદ રાખજાે.”
તેમણે ધ્યાન દોર્યું કે, તાજેતરમાં કેરળમાં ચૂંટણીઓ યોજાઈ હતી – જેમાં એ જ મતદાર યાદીઓ, એ જ ચૂંટણી કમિશનરો અને એ જ ઈવીએમ (EVMs) હતાં અને તમે ચૂંટણી જીતી ગયા, ત્યારે તમને ચૂંટણી પંચ સારું લાગ્યું. તમે તેલંગાણામાં જીતી ગયા, ત્યારે પણ ચૂંટણી પંચ સારું લાગ્યું. અમિત શાહે કહ્યું કે, “તમે હિમાચલમાં જીતી ગયા, ત્યારે ચૂંટણી પંચ સારું લાગ્યું અને મતદાર યાદીઓ પણ બરાબર લાગી. તમિલનાડુમાં, જેમને તમે સમર્થન આપ્યું હતું તેઓ જીત્યા, ત્યારે પણ ચૂંટણી પંચ સારું હતું અને મતદાર યાદીઓ બરાબર હતી. પરંતુ જ્યાં તમે હારી ગયા, ત્યાં ચૂંટણી પંચ અચાનક ખરાબ થઈ ગયું. જાે કોર્ટ તમારા પક્ષમાં ચુકાદો આપે તો તે સારી છે, પરંતુ જાે તે તમારી વિરુદ્ધ ચુકાદો આપે તો તે ખરાબ થઈ જાય છે. આ બેવડા ધોરણો નહીં ચાલે, રાહુલ-જી.” જનતા તમને ઓળખી ગઈ છે.




