જાન્યુઆરી મહિનામાં 46.7 લાખ રોકાણકારોના ખાતાના ઉમેરા સાથે મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગનું કદ વધુ વધ્યું છે. તેની પાછળનું કારણ મ્યુચ્યુઅલ ફંડ્સ વિશે જાગૃતિ વધારવા અને ડિજિટલાઇઝેશન દ્વારા વ્યવહારોમાં સરળતાની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે.
જાન્યુઆરીમાં ખોલવામાં આવેલા નવા મ્યુચ્યુઅલ ફંડ ખાતાઓની સંખ્યા વર્ષ 2023ના સરેરાશ માસિક આંકડા કરતાં બમણા કરતાં વધુ છે. ગયા વર્ષે દર મહિને સરેરાશ 22.3 લાખ ખાતા ખોલવામાં આવ્યા હતા.
મ્યુચ્યુઅલ ફંડ ઈન્ડસ્ટ્રી બોડી એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઈન ઈન્ડિયા (એએમએફઆઈ) દ્વારા જારી કરાયેલા ડેટા અનુસાર, ખાતાઓની સંખ્યામાં વધારો થવાને કારણે ઉદ્યોગમાં મ્યુચ્યુઅલ ફંડ ખાતાઓની કુલ સંખ્યા 16.96 કરોડ પર પહોંચી ગઈ છે.
આ એક વર્ષ અગાઉ નોંધાયેલા 14.28 કરોડ ખાતા કરતાં 19 ટકા વધુ છે. ડિસેમ્બર 2023માં નોંધાયેલા કુલ 16.49 કરોડ ખાતાની સરખામણીએ જાન્યુઆરી 2024માં લગભગ ત્રણ ટકાનો વધારો જોવા મળ્યો છે. વ્હાઇટઓક મ્યુચ્યુઅલ ફંડના ચીફ બિઝનેસ ઓફિસર પ્રતીક પંતે જણાવ્યું હતું કે નાણાકીય સાક્ષરતા જેવા પરિબળોએ ભારતીયોને ફિક્સ ડિપોઝિટ અને પોસ્ટ ઓફિસ સેવિંગ્સ સ્કીમ જેવા પરંપરાગત નાણાકીય સાધનોથી આગળ જોવા માટે પ્રોત્સાહિત કર્યા છે.
તેમણે કહ્યું કે નવા રોકાણકારોમાં નવી પેઢીના યુવાનોની સંખ્યા ઘણી વધારે છે. મોટાભાગના નવા રોકાણકારો મ્યુચ્યુઅલ ફંડ સેક્ટરમાં પ્રવેશવા માટે ડિજિટલ ચેનલોનો ઉપયોગ કરી રહ્યા છે.