
કોંગ્રેસ નેતાના નિવેદનથી ખળભળાટ.હું પણ CM બનવાની રેસમાં છું, પણ શિવકુમારને બનાવો તો પણ સ્વીકાર્ય.ગૃહમંત્રી જી. પરમેશ્વરનું આ નિવેદન સિદ્ધારમૈયાની છાવણી તરફથી આવતા સંકેતોમાં સૌથી મજબૂત માનવામાં આવી રહ્યું છે.કર્ણાટક કોંગ્રેસમાં મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને નાયબ મુખ્યમંત્રી ડી.કે. શિવકુમાર વચ્ચેના કથિત સત્તા-વહેંચણી કરારને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે રાજ્યના ગૃહમંત્રી જી. પરમેશ્વરે એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે, હું પણ CM બનવાની રેસમાં છું. જાે કોંગ્રેસ હાઈકમાન્ડ ડી.કે. શિવકુમારને મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કરવાનો ર્નિણય લેશે, તો તેમને તે સંપૂર્ણપણે સ્વીકાર્ય હશે.
ગૃહમંત્રી જી. પરમેશ્વરનું આ નિવેદન સિદ્ધારમૈયાની છાવણી તરફથી આવતા સંકેતોમાં સૌથી મજબૂત માનવામાં આવી રહ્યું છે, કારણ કે તે સત્તા પરિવર્તનની શક્યતાનો સ્વીકાર કરે છે. પત્રકારો સાથે વાત કરતા જી. પરમેશ્વરે કહ્યું, જ્યારે મને મુખ્યમંત્રી પદ માટેની મારી આકાંક્ષાઓ વિશે પૂછવામાં આવે છે, ત્યારે હું કહું છું કે હું રેસમાં છું.
તેમણે ઉમેર્યું કે, જાે પાર્ટી હાઇકમાન્ડ ટ્રાન્ઝિશન (સત્તા પરિવર્તન)ને મંજૂરી આપે અને ડીકે શિવકુમાર મુખ્યમંત્રી બને, તો અમે તેને સ્વીકારીશું. જાે પક્ષ દ્વારા સંક્રમણને મંજૂરી આપવામાં આવે, તો તે સરળ અને શાંતિપૂર્ણ રહેશે. આ ઉપરાંત તેમણે સ્પષ્ટતા કરી કે આ સમગ્ર મામલે અંતિમ ર્નિણય કોંગ્રેસ હાઇકમાન્ડનો જ રહેશે.
મુખ્યમંત્રી પદને લઈને કર્ણાટકમાં અટકળો ચરમસીમાએ પહોંચી ગઈ છે, કારણ કે સિદ્ધારમૈયાએ તેમના અઢી વર્ષ પૂરા કરી લીધા છે. અગાઉ નાયબ મુખ્યમંત્રી ડી.કે. શિવકુમારે પણ એક નિવેદન બહાર પાડ્યું હતું, જેમાં તેમણે કહ્યું હતું કે, શબ્દોની શક્તિ એ દુનિયાની સૌથી મોટી શક્તિ છે, અને વચનો પાળવા એ સૌથી મોટી શક્તિ છે. આ નિવેદનને અઢી વર્ષના સત્તા-વહેંચણી કરારનું પાલન કરવાની અને સત્તા પરિવર્તનની માંગણીઓના સંકેત તરીકે જાેવામાં આવ્યું હતું.
કર્ણાટકમાં સત્તાના નેતૃત્વ પરિવર્તનના મુદ્દે હવે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનું નિવેદન પણ આવ્યું છે. કોંગ્રેસ અધ્યક્ષે સ્પષ્ટતા કરી કે, અમે બધા સંબંધિત નેતાઓને બોલાવીને ચર્ચા કરીશું, જેમાં રાહુલ ગાંધી પણ હાજર રહેશે. બધા સાથે ચર્ચા કર્યા બાદ જ અંતિમ ર્નિણય લેવાશે. હું એકલો નથી, અમે એક ટીમ તરીકે કામ કરીએ છીએ. હાઈકમાન્ડની ટીમ સર્વસંમતિથી ર્નિણય લેશે.




