RBI Report:વાર્ષિક ધોરણે માર્ચ મહિનામાં ઉદ્યોગોને આપવામાં આવેલી બેંક લોનમાં 8.5 ટકાનો વધારો થયો હતો, જ્યારે પર્સનલ લોન સેગમેન્ટમાં ઘટાડો જોવા મળ્યો હતો. એક વર્ષ પહેલા, માર્ચ 2023 માં, ઉદ્યોગ અને વ્યક્તિગત લોન સેગમેન્ટમાં ક્રેડિટ વૃદ્ધિ અનુક્રમે 5.6 ટકા અને 21 ટકા હતી.
બેંક ક્રેડિટ ડેટા જાહેર કરતા, RBIએ જણાવ્યું હતું કે પાછલા વર્ષના સમાન મહિનાની સરખામણીએ માર્ચ, 2024 માં મુખ્ય ઉદ્યોગો કેમિકલ્સ અને રાસાયણિક ઉત્પાદનો, ફૂડ પ્રોસેસિંગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ધિરાણમાં વધારો થયો હતો, જ્યારે મૂળભૂત ધાતુઓ અને મેટલ પ્રોડક્ટ્સ સેગમેન્ટમાં નરમાઈ હતી.
આ ડેટા અનુસાર, કૃષિ અને સંલગ્ન પ્રવૃત્તિઓ માટે ધિરાણ વૃદ્ધિ એક વર્ષ અગાઉ 15.4 ટકાની સરખામણીએ ગયા મહિને 20.1 ટકા રહી હતી. જોકે, વાહન લોન અને અન્ય પર્સનલ લોનમાં ધીમી વૃદ્ધિને કારણે માર્ચ 2024માં વ્યક્તિગત લોનની વૃદ્ધિ ઘટીને 17.7 ટકા થઈ હતી. એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં તે 21 ટકા હતો.
આ સિવાય સર્વિસ સેક્ટરમાં ક્રેડિટ ગ્રોથ ગત વર્ષે માર્ચમાં 19.6 ટકાથી વધીને 20.2 ટકા થયો હતો. સેન્ટ્રલ બેંકના ડેટાએ એ પણ દર્શાવ્યું છે કે નોન-બેંકિંગ ફાઇનાન્શિયલ કંપનીઓ (NBFCs) અને બિઝનેસને ધિરાણમાં વૃદ્ધિ એક વર્ષ અગાઉની સરખામણીએ ધીમી પડી છે. વાર્ષિક ધોરણે, નોન-ફૂડ બેંક ક્રેડિટ માર્ચ 2024 માં 16.3 ટકાની વૃદ્ધિ નોંધાવી હતી, જે એક વર્ષ અગાઉ 15.4 ટકા હતી.
આરબીઆઈએ જણાવ્યું હતું કે 41 પસંદગીની બેંકો પાસેથી બેંક ક્રેડિટ ડેટા એકત્રિત કરવામાં આવ્યો છે, જે તમામ શેડ્યુલ્ડ કોમર્શિયલ બેંકો દ્વારા ફાળવવામાં આવેલી કુલ નોન-ફૂડ ક્રેડિટના લગભગ 95 ટકા છે.