Foreign Investment : સ્થાનિક ઇક્વિટી બજારોમાંથી વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPIs) દ્વારા વેચાણ ચાલુ છે. ડિપોઝિટરી ડેટા અનુસાર, FPIsએ મે મહિનામાં અત્યાર સુધીમાં ઇક્વિટી માર્કેટમાંથી રૂ. 17,083 કરોડ ઉપાડી લીધા છે. આ સાથે, કેલેન્ડર વર્ષ 2024માં અત્યાર સુધી FPIનો ચોખ્ખો ઉપાડ રૂ. 14,861 કરોડ પર પહોંચી ગયો છે.
FPIs એ 2024 ની શરૂઆત વેચવાલી સાથે કરી હતી અને જાન્યુઆરીમાં રૂ. 25,744 કરોડનો ચોખ્ખો ઉપાડ કર્યો હતો. જોકે, ત્યાર બાદ ફેબ્રુઆરી અને માર્ચમાં FPIs એ અનુક્રમે રૂ. 1,539 કરોડ અને રૂ. 35,098 કરોડની ચોખ્ખી રકમનું રોકાણ કર્યું હતું. પરંતુ ફરી એપ્રિલમાં વિદેશી રોકાણકારોએ ઈક્વિટી માર્કેટમાંથી રૂ. 8,671 કરોડ પાછા ખેંચ્યા હતા. આ ટ્રેન્ડ મે મહિનામાં પણ ચાલુ રહે છે.
ડિપોઝિટરી ડેટા અનુસાર, સ્થાનિક શેરબજારોમાં મે મહિનામાં સાત દિવસનો વેપાર થયો હતો. તેમાંથી એફપીઆઈનું વેચાણ છ દિવસે નેટ પર થયું હતું, જ્યારે રોકાણ માત્ર એક જ દિવસે થયું હતું. એ જ રીતે, FPIs સતત બીજા મહિને બોન્ડ માર્કેટમાં વેચાણકર્તા રહ્યા છે. એપ્રિલમાં રૂ. 10,949 કરોડના ચોખ્ખા ઉપાડ પછી, FPIs એ મે મહિનામાં અત્યાર સુધીમાં બોન્ડ માર્કેટમાંથી રૂ. 1,602 કરોડ ઉપાડ્યા છે.
જાન્યુઆરીથી માર્ચ દરમિયાન બોન્ડ માર્કેટમાં FPIs ચોખ્ખા રોકાણકારો હતા. માર્કેટ એક્સપર્ટ અજય બગ્ગા કહે છે કે ચૂંટણીની અનિશ્ચિતતાને કારણે રોકાણકારો પર વેચવાલીનું દબાણ છે. રોકાણકારો પણ સાવધાની સાથે નફો બુક કરી રહ્યા છે. જેના કારણે ભવિષ્યમાં પણ બજારોમાં વધઘટ જોવા મળી શકે છે.
છેલ્લા કેટલાક દિવસો દરમિયાન એફપીઆઈના કારણે ભારતીય શેરબજારમાં સતત ઘટાડો જોવા મળ્યો હતો, જ્યારે આ સમયગાળા દરમિયાન સ્થાનિક રોકાણકારો સતત ખરીદી કરી રહ્યા હતા. તે જ સમયે, મોટાભાગના વિદેશી શેરબજારો પણ લીલા રંગમાં હતા. ખાસ કરીને ભારતના શેરબજારને સૌથી વધુ અસર કરતા અમેરિકાનું શેરબજાર.