
દિવાળી પહેલાં સરકાર DA અને DR ૩%નો વધારો કરી શકે. કર્મચારીઓ અને પેન્શનરોને ત્રણ મહિનાનું એરિયર પણ મળશે, જે ઓક્ટોબરના પગાર સાથે મળી શકે છે.કેન્દ્ર સરકારના ૧.૨ કરોડથી વધુ કર્મચારીઓ અને પેન્શનરો માટે ખુશખબર છે. ફાઈનાન્શિયલ એક્સપ્રેસના રિપોર્ટ મુજબ, દિવાળી પહેલાં સરકાર મોંઘવારી ભથ્થું (DA) અને મોંઘવારી રાહત (DR)માં ૩%નો વધારો કરી શકે છે. આનાથી કર્મચારીઓને મોંઘવારીથી થોડી રાહત મળશે. મોંઘવારી ભથ્થું (DA) ૫૫%થી વધીને ૫૮% થઈ શકે છે, આ વધારો જુલાઈ ૨૦૨૫થી લાગુ થશે. રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, કર્મચારીઓ અને પેન્શનરોને ત્રણ મહિનાનું એરિયર પણ મળશે, જે ઓક્ટોબરના પગાર સાથે મળી શકે છે. આથી તહેવારોની સિઝનમાં લોકોને મોટી રાહત મળશે.
સરકાર DA ને વર્ષમાં બે વખત વધારે છે. એક વખત હોળી પહેલાં જાન્યુઆરીથી જૂન માટે અને બીજી વખત દિવાળી પહેલાં જુલાઈથી ડિસેમ્બર માટે. ગયા વર્ષે સરકારે ૧૬ ઓક્ટોબર ૨૦૨૪ના રોજ મોંઘવારી ભથ્થા (DA)ને વધારવાની જાહેરાત કરી હતી. આ વર્ષે દિવાળી ૨૦-૨૧ ઓક્ટોબરે છે. તેથી, આ વખતે પણ આશા છે કે સરકાર દિવાળી પહેલાં ડ્ઢછ વધારવાની જાહેરાત કરશે. આને કર્મચારીઓ માટે દિવાળીની ભેટ માનવામાં આવે છે. આ ૭મા પગાર પંચના આધારે નક્કી થાય છે. આ માટે કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ ફોર ઈન્ડસ્ટ્રિયલ વર્કર્સ (CPI-IW)ને ધ્યાનમાં લેવામાં આવે છે. CPI-IW ૧૨ મહિનાના સરેરાશને ધ્યાનમાં રાખવામાં આવે છે. જુલાઈ ૨૦૨૪થી જૂન ૨૦૨૫ સુધી CPI-IW ની સરેરાશ ૧૪૩.૬ હતી, જેના હિસાબે DA ૫૮% થાય છે. એટલે કે કર્મચારીઓનું DA ૩% વધશે. ધારો કે, કોઈ કર્મચારીનો મૂળ પગાર (બેઝિક પગાર) ૫૦,૦૦૦ રૂપિયા છે. પહેલાં ૫૫% ડ્ઢછના હિસાબે તેમને ૨૭,૫૦૦ રૂપિયા મોંઘવારી ભથ્થું મળતું હતું. હવે ૫૮% DA હિસાબે તેમને ૨૯,૦૦૦ રૂપિયા મળશે. એટલે કે, દર મહિને ૧,૫૦૦ રૂપિયા વધુ મળશે. એવી જ રીતે, જાે કોઈ પેન્શનરનું મૂળ પેન્શન (બેઝિક પેન્શન) ૩૦,૦૦૦ રૂપિયા હોય તો ડ્ઢઇ ૫૫%ના હિસાબે ૧૬,૫૦૦ રૂપિયા હતું. હવે ૫૮%ના હિસાબે ૧૭,૪૦૦ રૂપિયા થશે. એટલે કે, તેમને દર મહિને ૯૦૦ રૂપિયા વધારે મળશે. પગાર અને પેન્શનના હિસાબે અલગ-અલગ લોકોને અલગ-અલગ ફાયદો થશે.
આ ૭મા પગાર પંચ હેઠળનો છેલ્લો DA વધારો છે. ૭મું પગાર પંચ ૩૧ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ સમાપ્ત થઈ રહ્યું છે. સરકારે જાન્યુઆરી ૨૦૨૫માં ૮મા પગાર પંચની જાહેરાત કરી દીધી છે. પરંતુ, હજુ સુધી તેના ટર્મ્સ ઓફ રેફરન્સ (ToR), અધ્યક્ષ અને સભ્યો નક્કી કરવામાં આવ્યા નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે પગાર પંચની ભલામણો ૨૦૨૭ના અંત અથવા ૨૦૨૮ની શરૂઆતમાં લાગુ થશે.
