
કહ્યું – તેમની પાસે માનસિક શાંતિ જ નથી…. સમય રૈનાએ કોમેડિયન સુનીલ પાલને તતડાવ્યો ઈન્ડિયાઝ ગોટ લેટન્ટ વિવાદ દરમિયાન સિનિયર કોમેડિયન સુનીલ પાલ દ્વારા કરવામાં આવેલી આકરી ટીકા પર મૌન તોડ્યું સ્ટેન્ડ-અપ કોમેડિયન સમય રૈના પોતાના સ્પેશિયલ શો સ્ટિલ અલાઈવના રિલીઝ બાદથી જ સતત ચર્ચામાં છે. તાજેતરમાં જ તેણે ઈન્ડિયાઝ ગોટ લેટન્ટ વિવાદ દરમિયાન સિનિયર કોમેડિયન સુનીલ પાલ દ્વારા કરવામાં આવેલી આકરી ટીકા પર મૌન તોડ્યું છે. તેણે કહ્યું કે, સુનીલ પાલ એક હતાશ વ્યક્તિ છે, તેમની પાસે માનસિક શાંતિ નથી અને મને સુનીલ પાલ માટે ખરાબ લાગે છે.
વૈભવ મુંજાલ દ્વારા હોસ્ટ કરવામાં આવેલા પોડકાસ્ટ ધ લોંગેસ્ટ ઈન્ટરવ્યુમાં વાત કરતા સમય રૈનાને સુનીલ પાલની એક તસવીર બતાવવામાં આવી હતી અને તેને તેના વિચાર પૂછવામાં આવ્યા હતા.
સમયે કહ્યું કે, હું તેમના વિશે નથી વિચારતો. મેં મારા જીવનમાં ખૂબ જ પહેલા એક વાત શીખી લીધી હતી કે જાે કોઈ વ્યક્તિ અન્ય કોઈના વિશે ખરાબ બોલી રહી છે, તો તેનો અર્થ એ છે કે તે પોતે જ કોઈ મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહી છે. મને ખરાબ નથી લાગતું, પરંતુ એ તો સારું છે કે તેઓ મારા વિશે વાત કરી રહ્યા છે.
આ યુવા સ્ટેન્ડ-અપ કોમેડિયને આગળ કહ્યું કે, તે મારા વિશે સારું બોલે છે કે ખરાબ, તેનાથી કોઈ ફરક પડતો નથી. અંતે તો તે મારા વિશે જ વાત કરી રહ્યો છે. મને ખરેખર તેના માટે ખરાબ લાગે છે.
સમયે વધુમાં કહ્યું કે, કોઈને કોઈ વાત તેને પરેશાન કરી રહી છે, કોઈ પ્રકારની અસુરક્ષા છે. તેમની પાસે માનસિક શાંતિ નથી. મને આશા છે કે તેમને શાંતિ મળશે. જે માણસ પોતે શાંત હોય છે, તેને ક્યારેય બીજાની માનસિક શાંતિ ભંગ કરવામાં મજા નથી આવતી.
સમય માત્ર સુનીલ પાલ પર જ નહીં અટક્યો. તેણે એ તમામ લોકો પર પણ કટાક્ષ કર્યો અને સણસણતો જવાબ આપ્યો જેમણે આ વિવાદ દરમિયાન તેની વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો હતો. તેણે કહ્યું કે ઈન્ડિયાઝ ગોટ લેટન્ટ વિવાદ દરમિયાન જે લોકોએ પણ અમારી વિરુદ્ધ જાેરદાર હુમલો કર્યો હતો, તે તમામ પોતાની જિંદગીમાં હતાશ છે. શું કપિલ શર્માએ અમારી વિરુદ્ધ કંઈ કહ્યું? અથવા કોઈ સારા એક્ટરે કંઈ કહ્યું? ઘણા લોકો સામે આવીને અમારી વિરુદ્ધ બોલી શક્યા હોત, પરંતુ જે કોઈની પાસે પણ માનસિક શાંતિ હતી, તેણે એવું કંઈ જ ન કર્યું. માત્ર એવા જ હતાશ લોકો અમારી પાછળ પડ્યા જેમણે આવું કરવાનો ર્નિણય કર્યો હતો.
વાસ્તવમાં સુનીલ પાલે સમય રૈના અને રણવીર અલ્હાબાદિયા પર જાેરદાર પ્રહાર કરતા કહ્યું હતું કે, તેઓ એવા આતંકવાદીઓ છે જે ગંદી ભાષા અને અશ્લીલ કન્ટેન્ટનો ઉપયોગ કરે છે.
તેઓ પોતાને કન્ટેન્ટ ક્રિએટર કહે છે, પરંતુ તેમની પાસે ન તો કોઈ કન્ટેન્ટ છે અને ન તો તેઓ ક્રિએટર છે. મારું માનવું છે કે આવી ગંદકી ફેલાવવા બદલ તેમને ઓછામાં ઓછી ૧૦ વર્ષની જેલની સજા થવી જાેઈએ. નોંધનીય છે કે, જાહેરમાં ચાલેલા આ શાબ્દિક યુદ્ધ છતાં પાછળથી આ બંનેએ એક જાહેરાત માટે સાથે મળીને કામ કર્યું હતું.




