
તારક મહેતાના અસિત મોદીએ લીધો રાહતનો શ્વાસ, સોનુ સાથેના મોટા વિવાદનો અંત.ગયા વર્ષે સોનુએ શોના મેકર્સ અસિત મોદી પર માનસિક ત્રાસ આપવાનો આરોપ લગાવીને શો છોડી દીધો હતો.તારક મહેતા કા ઉલ્ટા ચશ્માએ ટેલિવિઝન પર સૌથી લાંબા સમય સુધી ચાલતા શોમાંથી એક છે. આ શો ૧૮ વર્ષથી વધુ સમયથી દર્શકોનું મનોરંજન કરી રહ્યું છે. અસિત મોદીની આ સિરિયલ ઘણા વર્ષોથી વિવાદોમાં ફસાયેલી છે. એક પછી એક ઘણા કલાકારોએ શો છોડી દીધો છે અને નિર્માતા અસિત મોદી પર ગંભીર આરોપો લગાવ્યા છે. કેટલાકે પૈસા ન આપવાનો આરોપ લગાવ્યો છે, તો કેટલાકે સેટ પર ઉત્પીડનનો આરોપ લગાવ્યો છે અને કેટલાકે જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે. અસિત મોદીએ વારંવાર આ આરોપોને નકારી કાઢ્યા છે, પરંતુ તેમની ટીકા થતી રહે છે.
ગયા વર્ષે જ શોમાં સોનુની ભૂમિકા ભજવનાર અભિનેત્રી પલક સિંધવાનીએ નિર્માતા અસિત મોદી પર માનસિક ઉત્પીડનનો આરોપ લગાવીને શો છોડી દીધો હતો. તેણીએ નીલા ફિલ્મ્સના પ્રોડક્શન હેડ અસિત કુમાર મોદી પર શોષણ અને ઉત્પીડનના ગંભીર આરોપો લગાવીને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો છોડી દીધો હતો. હવે લગભગ એક વર્ષ પછી આ મામલો ઉકેલાઈ ગયો છે.
અસિત મોદીના નીલા ફિલ્મ્સ પ્રોડક્શન્સે એક સત્તાવાર નિવેદન બહાર પાડીને જણાવ્યું હતું કે, તેમની અને અભિનેત્રી પલક સિંધવાની વચ્ચેનો મામલો સહમતિથી ઉકેલાઈ ગયો છે. બંને પક્ષોએ સમાધાન કરી લીધું છે. નીલા ફિલ્મ્સ પ્રોડક્શન્સે સ્પષ્ટતા કરી હતી કે, કંપની અને પલક સિંધવાની વચ્ચેના તમામ મુદ્દાઓ સમજણ અને શાંતિથી ઉકેલાઈ ગયા છે. કંપની તેના સત્તાવાર નિવેદનમાં આગળ લખે છે કે, વર્ષોથી નીલા ફિલ્મ પ્રોડક્શન્સે ઘણા કલાકારો અને સર્જનાત્મક પ્રતિભાઓને એક પ્લેટફોર્મ પૂરું પાડીને આગળ વધાર્યા છે, તેમને મનોરંજન ઇન્ડસ્ટ્રીમાં મજબૂત ઓળખ અને સફળ કારકિર્દી બનાવવામાં મદદ કરી છે. હાલનાં વર્ષોમાં શો સાથે સંકળાયેલા પાત્રો દેશભરના દર્શકોમાં અત્યંત લોકપ્રિય બન્યા છે અને દરેક ઘરમાં એક ખાસ સ્થાન મેળવ્યું છે. કંપનીએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, તે એક પ્રગતિશીલ અને દૂરદર્શી પ્રોડક્શન હાઉસ છે. તેમણે વધુમાં દાવો કર્યો હતો કે તેઓ ઇન્ડસ્ટ્રીમાં પ્રતિભાને ખીલવા માટે પ્રોત્સાહિત કરે છે. ગયા વર્ષે શો છોડતી વખતે પલક સિંધવાનીએ જણાવ્યું હતું કે, અસિત મોદીએ તેમને ધમકી આપી હતી કે, જાે તે શો છોડી દેશે તો તેના ગંભીર પરિણામો ભોગવવા પડશે. જાેકે, હવે આ મામલો ઉકેલાઈ ગયો છે.




