
ભાડે આપનાર માલિકોમાં ફફડાટ તરસમિયા આવાસ યોજનાના ૨૨ મકાનો સીલ કરાયા ઘણા મૂળ લાભાર્થીઓ પોતે રહેવાને બદલે અન્ય લોકોને ભાડે રાખીને આર્થિક લાભ મેળવી રહ્યા હતા.
ભાવનગર મહાનગરપાલિકા (મ્સ્ઝ્ર) દ્વારા સરકારી આવાસ યોજનાના મકાનોનો વ્યાપારી હેતુ કે ભાડા માટે ઉપયોગ કરનારાઓ સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ભાવનગર શહેરના તરસમિયા વિસ્તારમાં આવેલી આવાસ યોજનામાં ભાવનગર મનપાની ટીમ દ્વારા રેડ કરવામાં આવી હતી. આ રેડ દરમિયાન કુલ ૨૨ જેટલા મકાનોને સીલ મારી દીધા છે. આ કાર્યવાહીને પગલે આવાસના નિયમો વિરૂદ્ધ મકાનો ભાડે આપનારા માલિકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
ઘટનાની મળતી વિગતો અનુસાર, ભાવનગર મનપા દ્વારા અગાઉ આ આવાસ યોજનાઓમાં સઘન સર્વે કરવામાં આવ્યો હતો. આ તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, ઘણા મૂળ લાભાર્થીઓ પોતે રહેવાને બદલે અન્ય લોકોને ભાડે રાખીને આર્થિક લાભ મેળવી રહ્યા હતા. નિયમ મુજબ સરકારી આવાસ ભાડે આપી શકાતા નથી, આથી ભાવનગર મનપાએ સર્વે બાદ ભાડુઆતો અને મકાન માલિકોને આવાસ ખાલી કરવા માટે કાયદેસરની નોટિસ ફટકારી હતી.નોટિસ આપ્યા છતાં અને નિર્ધારિત સમય મર્યાદા પૂર્ણ થઈ હોવા છતાં અનેક લોકોએ મકાન ખાલી કર્યા ન હતા. આખરે તંત્રએ કડક વલણ અપનાવીને તરસમિયા સ્કીમના આવાસો પર તવાઈ બોલાવી હતી અને ૨૨ થી ૨૩ મકાનોને સીલ કરી તેનો કબ્જાે સંભાળ્યો હતો. ભાવનગર મનપાની આ કાર્યવાહી આગામી દિવસોમાં અન્ય આવાસ યોજનાઓમાં પણ ચાલુ રહે તેવા સંકેતો મળી રહ્યા છે.




