
(છગન લાલ મેવાડા ધ્વારા ) સુરત.
ચૂંટણીપંચ, ઈડી, સીબીઆઈ કે એવી કોઈ પણ સ્વાયત સંસ્થા કે જેનું સૌથી પહેલું કામ તટસ્થતાપૂર્વક કામગીરી કરવાનું હોય છે. પણ એની સામે જ જ્યારે સવાલો ઊભા થાય અને એ પણ એક નહીં અનેક સ્થળે ઊભા થાય તો પછી આવી સંસ્થાઓની વિશ્વસનિયતા પર બટ્ટો લાગે છે. અને આજે તો એવી પરિસ્થિતી છે કે આ પ્રકારની સંસ્થાઓ તટસ્થતાથી નહીં પણ પક્ષપાત પૂર્વક વર્તે છે. અને એમાયે મોટે ભાગે શાસક પક્ષના ઇશારે જ ચાલે છે. એવી છાપ પ્રજાના એક વર્ગમાં ઊભી થઈ છે.
આપણે જો ચૂંટણીપંચની વાત કરીએ તો દેશની આ એવી સ્વાયત સંસ્થા છે કે જેની પર દેશની લોકશાહીની તંદુરસ્તીનો આધાર છે પરંતુ જ્યારે આ જ સંસ્થા પર પક્ષપાતી હોવાના આરોપો લાગે અને એમાં વજૂદ પણ જણાય તથા દેશની સર્વોચ્ચ અદાલતે પણ તેને વારેઘડીએ ઠમઠોરવી પડે તો એ બાબત ચૂંટણીપંચ માટે તો શરમજનક છે જ પરંતુ દેશની લોકશાહી માટે પણ ભારે ચિંતાની બાબત છે. બીજું ચૂંટણીપંચની આવી વિવાદાસ્પદ કામગીરી સાથે જે રીતે દેશભરમાંથી ફરિયાદો ઉઠી રહી છે તે બતાવે છે કે ચૂંટણીપંચ દેશના તમામ નાગરિકોનો વિશ્વાસ જીતવામાં સાવ નિષ્ફળ ગયું છે.
મતદાર યાદીઓના ખાસ સઘન સુધારા કામગીરી (SIR) અંગે ચૂંટણીપંચ પાસે સૌથી મહત્વપૂર્ણ અપેક્ષાઓમાંની એક એ રહી છે કે તે સંપૂર્ણપણે પારદર્શક હોવી જોઈએ. અનેક વિવાદો વચ્ચે વિરોધ પક્ષો ધ્વારા ઉઠાવવામાં આવેલી આ એક મુખ્ય માંગ પણ રહી છે. આ મુદ્દા પર ચૂંટણીપંચનો તર્ક એવો રહ્યો છે કે મતદાર યાદીઓના ખાસ સઘન સુધારાનો હેતુ અયોગ્ય વ્યક્તિઓને દૂર કરવાનો છે. આમાં સ્થળાંતર કરનારા અને મૃત્યુ પામેલા લોકોનો સમાવેશ થશે. આ ઉદ્દેશ સામે કોઈ ને વાંધો નથી. પરંતુ વિવિધ રાજ્યોમાં મતદાર યાદીઓમાંથી કરોડોની મોટી સંખ્યામાં લોકોને બાકાત રાખવામા આવ્યા હોવાના અહેવાલે ઘણા પ્રશ્નો ઊભા કર્યા છે. આનું મૂળ કારણ સમગ્ર પ્રક્રિયામાં પારદર્શિતાનો અભાવ હોઈ શકે છે. જેના કારણે સામાન્ય નાગરિકોમાં અનેક ચિંતાઓ ઊભી થઈ છે. જો SIR પ્રક્રિયા શરૂઆતથી અંત સુધી સંપૂર્ણપણે પારદર્શક હોત તો બિનજરૂરી વિવાદો ટાળી શકાયા હોત.
અને મતદારોને તેમના મતદાન કરવાના લોકશાહી અધિકારથી વંચિત રહેવાનો વારો ના આવે. બાકી દેશના જ નાગરિકો અને એમાં પણ ચોક્કસ સમુદાયના લોકોને સૌથી વધારે સંખ્યામાં વંચિત રાખવામાં આવ્યાની ફરિયાદો ઊઠે તો એ બાબત ચૂંટણીપંચની સરેઆમ નિષ્ફળતા જ ગણાય જે શરમજનક બાબત છે.




