
ન્યાયતંત્રની ગરિમા ઘટાડતી હોઇ અક્ષયની ‘જાેલી-એલએલબી થ્રી’ સામે હાઇકોર્ટમાં પિટિશન.ફિલ્મના ટ્રેઇલરમાં કોર્ટને જે હાસ્યાસ્પદ રીતે દર્શાવવામાં આવી છે એનો પણ વાંધો અરજદારે ઉઠાવ્યો છે.સુપરસ્ટાર અક્ષયકુમાર અને અર્શદ વારસીને ચમકાવતી કાયદાના વિષય સાથે સંકળાયેલી જાેલી-LLB સિરીઝની ત્રીજી ફિલ્મ હવે ખુદ કાયદામાં સાણસામાં આવી ગઇ છે. જાેલી-LLB થ્રીનું ટ્રેઇલર રિલીઝ થયું છે અને ફિલ્મ ૧૯મી સપ્ટેમ્બરે થિયટરોમાં રિલીઝ થવાની છે, ત્યારે ફિલ્મની વિષયવસ્તુ અને કેટલાક સંવાદો ન્યાયતંત્રની ગરિમાને ઘટાડતા હોવાના આક્ષેપ સાથે ગુજરાત હાઇકોર્ટમાં રિટ પિટિશન કરવામાં આવી છે. આ પિટિશનની સુનાવણી ગુરુવારે હાઇકોર્ટના સિંગલ જજ સમક્ષ નીકળે એવી શક્યતા છે. ત્યારે અગાઉની ફિલ્મોમાં જે રીતે કાનૂની કાવાદાવા અને રસપ્રદ મુદ્દાઓ આવરી લેવાયા હતા, એવી રીતે ધારદાર દલીલો અને કાનૂની દાવપેચ આ કેસની સુનાવણીમાં પણ જાેવા મળી શકે છે. ફિલ્મના ટીઝરમાં દર્શાવવામાં આવેલા કેટલાક સંવાદો ન્યાયતંત્રની ગરિમાને ઘટાડતાં હોવાના આક્ષેપ અરજદાર દ્વારા લગાવવામાં આવ્યા છે. તેથી અક્ષયકુમાર અને અર્શદ વારસી અભિનીત ફિલ્મ જાેલી-LLB થ્રીની રિલીઝ પર સ્ટે મૂકવાની દાદ સાથે હાઇકોર્ટમાં અરજી કરાઇ છે. આ અરજીમાં જણાવ્યા મુજબ ફિલ્મના ટીઝરમાં કોર્ટના જજ માટે વપરાતા સંવાદો ન્યાયતંત્રની ગરિમાથી વિપરીત છે. અમદાવાદના નિકોલ વિસ્તારના રહેવાસી યતીન દેસાઇએ હાઇકોર્ટમાં રિટ કરી છે અને માહિતી અને પ્રસારણ મંત્રાલયને કાયદાની જાેગવાઈઓ હેઠળ તમામ ડિજિટલ મીડિયા પ્લેટફોર્મ પર ટીઝર(ટ્રેઇલર)ને તાત્કાલિક અટકાવી દેવા ર્નિદેશ આપવાની માગ કરી છે. અરજદારે ૧૯મી સપ્ટેમ્બરના રોજ ફિલ્મની રિલીઝ પર રોક લગાવવા અને ફિલ્મની સમીક્ષા કરવા માટે ન્યાયાધીશો, નિવૃત્ત ન્યાયાધીશો, વકીલો અને નિષ્ણાતોની સમિતિની રચના કરવા અને તમામ મટીરિયલની તપાસ કરવાની દાદ માગી છે. તે ઉપરાંત ન્યાયતંત્રને અશોભનીય રીતે દર્શાવતા ભાગોને દૂર કરવાની માગ કરી છે. અરજદારે ફિલ્મના ટીઝર અને ફિલ્મ માટે સેન્ટ્રલ બોર્ડ ઓફ
ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) દ્વારા જારી કરાયેલ પ્રમાણપત્ર રદ કરવાની પણ માગ કરી છે. અગાઉની ફિલ્મ એટલે કે જાેલી-LLB ટૂ વખતે બોમ્બે હાઇકોર્ટની ઔરંગાબાદ બેંચે પણ કેટલાક ર્નિદેશો આપ્યા હતા અને ફિલ્મના કેટલાક વાંધાજનક ભાગને દૂર કરવામાં આવ્યા હતા. સાથે જ અરજદારે એવી સ્પષ્ટતા પણ કરી છે કે તે ફિલ્મ ઉપર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકાય એવું ઇચ્છતો નથી. પરંતુ ફિલ્મની રિલીઝ પહેલાં એક નિર્ધારિત સમિતિ દ્વારા તેને જાેવામાં આવે અને એનું મૂલ્યાંકન કરી વાંધાજનક વસ્તુઓ દૂર કરવામાં આવે. ફિલ્મના ટ્રેઇલરમાં કોર્ટને જે હાસ્યાસ્પદ રીતે દર્શાવવામાં આવી છે એનો પણ વાંધો અરજદારે ઉઠાવ્યો છે અને કોર્ટની ગરિમાનું હનન થાય એવા નિમ્નસ્તરીય સંવાદો કે કટાક્ષને દૂર કરવાની માગ કરી છે. આ કેસની સુનાવણી ગુરુવારે થઇ શકે એવી શક્યતા છે.
