
વિદ્યાર્થીઓને પ્રખ્યાત વિષય નિષ્ણાતો અને અત્યાધુનિક પ્રયોગશાળાઓ અને યુનિવર્સિટીના સેન્ટર ઓફ એક્સેલન્સ (CoEs) દ્વારા વિવિધ STEM સત્રોમાં ભાગ લેવાની તક મળી. ટોચના સોળ વિદ્યાર્થીઓએ ભાભા એટોમિક રીસર્ચ સેંટર (BARC), મુંબઈની મુલાકાત લેવાની તક મળી અને આગામી 25 વિદ્યાર્થીઓ DRDOની જોધપુર સ્થિત ડિફેન્સ લેબની મુલાકાત લેશે
ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (GUJCOST) એ ગુજરાત STEM ક્વિઝ 3.0 ના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ માટે ત્રણ દિવસીય STEM બુટ કેમ્પનું સફળતાપૂર્વક આયોજન કર્યું.
ગુજરાત STEM ક્વિઝ 3.0 ને દેશભરમાંથી 10,12,539 રજીસ્ટ્રેશન સાથે જબરદસ્ત પ્રતિસાદ મળ્યો. વર્ચ્યુઅલ રાઉન્ડ, ઝોનલ રાઉન્ડ અને 1 ફેબ્રુઆરી 2025 ના રોજ યોજાયેલા ગ્રાન્ડ ફિનાલે દ્વારા સખત પસંદગી પ્રક્રિયા પછી, પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પોસ્ટ-STEM પ્રવૃત્તિઓ માટે પસંદ કરવામાં આવ્યા હતા. GUJCOST એ પસંદ કરેલા સેમિ-ફાઇનલિસ્ટ માટે વિશિષ્ટ પોસ્ટ-STEM પ્રવૃત્તિઓ ડિઝાઇન કરી છે. આ STEM બુટ કેમ્પમાં 80 થી વધુ વિદ્યાર્થીઓ, 20 સંયોજકો અને શિક્ષકોએ ભાગ લીધો હતો. આ કેમ્પનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને વિજ્ઞાન અને ટેકનોલોજીના સીમાચિહ્ન ક્ષેત્રોમાં અદ્યતન અનુભવ પ્રદાન કરવાનો હતો.
આ કાર્યક્રમનું ઉદ્ઘાટન ૮ સપ્ટેમ્બર ૨૦૨૫ ના રોજ ગાંધીનગર સ્થિત નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (NFSU)ના ઓડિટોરિયમમાં કરવામાં આવ્યું હતું. NFSU, ગાંધીનગરના કેમ્પસ ડિરેક્ટર ડૉ. એસ. ઓ. જુનારે; GUJCOSTના સલાહકાર અને સભ્ય સચિવ ડૉ. નરોત્તમ સાહૂ અને NFSUના સ્કૂલ ઓફ ફાર્મસીના ડીન ડૉ. ભૂમિકા પટેલે ઉદ્ઘાટન સત્રમાં હાજરી આપીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. બુટ કેમ્પ દરમિયાન, વિદ્યાર્થીઓએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), મશીન લર્નિંગ (ML), રોબોટિક્સ, સાયબર સુરક્ષા અને અન્ય ઉભરતા STEM ક્ષેત્રો પર નિષ્ણાત સત્રોમાં ભાગ લીધો હતો. તેઓએ નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (NFSU) અને તેના વિવિધ સેન્ટર્સ ઓફ એક્સેલન્સ (CoEs) ની અત્યાધુનિક પ્રયોગશાળાઓની પણ મુલાકાત લીધી હતી,
જ્યાં તેઓએ વૈજ્ઞાનિકો અને સંશોધકો સાથે વાર્તાલાપ કર્યો હતો. અવકાશ અને ખગોળશાસ્ત્રમાં તેમની જિજ્ઞાસાને વધુ પ્રજ્વલિત કરવા માટે, વિદ્યાર્થીઓએ વિક્રમ સારાભાઈ અવકાશ પ્રદર્શન (VSSE), સ્પેસ એપ્લિકેશન્સ સેન્ટર (SAC), ISRO અને સાયન્સ સિટી ખાતે ઍસ્ટ્રોનોમી અને અવકાશ વિજ્ઞાન ગેલેરીની મુલાકાત લીધી હતી, અને પ્લેનેટેરિયમ શોમાં પણ હાજરી આપી હતી. આ બુટ કેમ્પ પહેલા, ગુજરાત STEM ક્વિઝ 3.0ના વિજેતા ૧૬ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને મુંબઈના પ્રતિષ્ઠિત ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર (BARC) ની મુલાકાત લેવાની તક મળી હતી અને આગામી ૨૫ વિદ્યાર્થીઓ ૧૦-૧૨ સપ્ટેમ્બર ૨૦૨૫ દરમિયાન જોધપુર, DRDO ના ડિફેન્સ લેબોરેટરીની તેમની એક્સપોઝિટરી મુલાકાત પર છે. GUJCOST એ STEM શિક્ષણમાં યુવા મનને પ્રેરિત કરવા માટે ખાસ પોસ્ટ-STEM પ્રવૃત્તિઓને કાળજીપૂર્વક ડિઝાઇન કરી છે. ત્રણ દિવસીય STEM બુટ કેમ્પ આજે સંપન્ન થયો, જે ગુજરાત અને દેશના યુવાનોમાં વૈજ્ઞાનિક સ્વભાવ, નવીનતા અને ભવિષ્ય માટે તૈયાર કૌશલ્યોને પોષવાના GUJCOST ના સતત પ્રયાસોમાં વધુ એક પગલું છે.
