
લવલી સ્વીટ્સના ગોડાઉનમાંથી મળ્યો અખાદ્ય જથ્થો.૧૩.૨૦૦ કિલો અખાદ્ય મીઠાઈ મળી આવતા ભારે ખળભળાટ.જામ્બુઆ લેન્ડફિલ્ડ સાઇટ ખાતે મીઠાઈનો નાશ કરાયો.ગુજરાતમાં માત્ર તહેવારો ટાણે જ સક્રિય દેખાતી વડોદરા કોર્પોરેશનની ખોરાક શાખાની ટીમને આજે એક મોટી સફળતા હાથ લાગી છે. જી હા…ખોડિયારનગર વિસ્તારમાં પાણીપુરીના સેન્ટરો પર રેડ કરવા ગયેલી ટીમને અચાનક મોટી માત્રામાં શંકાસ્પદ મીઠાઈનો જથ્થો મળી આવતા સમગ્ર તંત્રમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
વડોદરા કોર્પોરેશનની ખોરાક શાખાની ટીમ ખોડિયારનગર ખાતે તપાસ અર્થે ગઈ હતી, ત્યારે ‘લવલી સ્વીટ્સ’ ના ગોડાઉન પર દરોડા પાડવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા કારણ કે ગોડાઉનમાં ખૂબ જ મોટી માત્રામાં અખાદ્ય અને વાસી મીઠાઈનો સંગ્રહ કરવામાં આવ્યો હતો. આ દરોડામાં કુલ ૧૩,૨૦૦ કિલો અખાદ્ય મીઠાઈ મળી આવતા શહેરના ખાદ્ય બજારમાં ખળભળાટ મચી ગયો છે. આરોગ્ય સાથે ચેડાં કરતા આ વેપારીઓ સામે તંત્રએ લાલ આંખ કરી છે.
વડોદરા કોર્પોરેશનની ખોરાક શાખાની ટીમ દ્વારા જપ્ત કરવામાં આવેલા આશરે ૭.૫૦ લાખ રૂપિયાની કિંમતના જથ્થાની વિગતો નીચે મુજબ છે. જેમાં પેંડા ૮,૦૦૦ કિલો, બરફી ૨,૫૦૦ કિલો, કાજુકતરી ૭૦૦ કિલો, લાડુ ૭૦૦ કિલો અને અન્ય મીઠાઈઓ ૧,૩૦૦ કિલોનો જથ્થો ઝડપાયો છે.
મોટી માત્રામાં મળેલી મીઠાઈનો નિકાલ કરવો એ પણ તંત્ર માટે એક પડકાર હતો. વડોદરા કોર્પોરેશનની ખોરાક શાખાની ટીમને આ માતબર જથ્થાનો નાશ કરતા સતત ૧૦ કલાકનો સમય લાગ્યો હતો. તમામ અખાદ્ય મીઠાઈને ટ્રેક્ટરો ભરીને જામ્બુઆ લેન્ડફિલ્ડ સાઇટ ખાતે લઈ જવામાં આવી હતી, જ્યાં જેસીબીની મદદથી ખાડો ખોદીને તેનો સંપૂર્ણ નાશ કરવામાં આવ્યો હતો.




