
આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ એક વીડિયોના માધ્યમથી મહત્વપૂર્ણ મુદ્દા પર જણાવ્યું હતું કે આજે દિલ્હીમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજી 100 જેટલા ગાડીઓના માલિકોને લઈને પ્રધાનમંત્રી આવાસ ગયા હતા, આ ગાડીઓના માલિક એવા લોકો છે જેમની ગાડી E20 પેટ્રોલના કારણે ખરાબ થઈ હોય અથવા તો કોઈને કોઈ રીતે નુકસાની ભોગવી રહ્યા છે. સાથે સાથે 2 લાખ 30 હજાર પીટીશન લઈને અરવિંદ કેજરીવાલજી આ ગાડીઓના માલિક સાથે પ્રધાનમંત્રી આવાસ પહોંચ્યા હતા. પોલીસે કેજરીવાલજીને પ્રધાનમંત્રીને મળવાથી રોક્યા હતા પરંતુ કેજરીવાલજીએ પોતાની પિટિશનો પ્રધાનમંત્રીને મોકલી આપી છે. આ દેશમાં 33 કરોડ ગાડીઓ એવી છે જે 2023 પહેલાની છે અને જે E20 પેટ્રોલ માટે બનેલી નથી. દેશમાં કરોડો ટુ વ્હીલર એવા છે જેમાં પેટ્રોલનો ઉપયોગ થાય છે અને એ લોકોની માઇલેજ ઘટી છે અને એમના મેન્ટેનન્સ વધ્યા છે. પહેલા એક વ્યક્તિ 500 રૂપિયાનું પેટ્રોલ ભરાવીને એક અઠવાડિયા સુધી એ વાહન ફેરવી શકતા હતા હવે એ લોકોની ગાડીની માઈલેજ ઘટી ગઈ છે મેન્ટેનન્સના ખર્ચા વધી ગયા છે અને પેટ્રોલનો ભાવ પણ વધી ગયો છે, એટલા માટે એ લોકો પરેશાની ભોગવી રહ્યા છે અને દેશના લાખો લોકો ત્રાહિમામ પોકારી ચૂક્યા છે.
વધુમાં આમ આદમી પાર્ટીના નેતા મનોજ સોરઠીયાએ જણાવ્યું હતું કે, બીજી બાજુ સરકાર અમેરિકાની સામે ઘૂંટણિયે પડી ગઈ છે, અમેરિકામાંથી સસ્તુ ઇથેનોલ ભારતમાં ઈમ્પોર્ટ કરીને આ ઇથેનોલ લોકોને વેચીને સરકાર લોકોને પરેશાન કરી રહી છે એક તરફ ભાજપ અને કોંગ્રેસના નેતાઓની ઘણી ઇથેનોલની કંપનીઓ ચાલી રહી છે જેના કારણે કોંગ્રેસ પણ આ મુદ્દા પર કોઈ વિરોધ કરતી નથી. હાલ માત્ર અરવિંદ કેજરીવાલજી અને આ દેશના લોકો આ મુદ્દા પર સરકારનો જવાબ માંગી રહ્યા છે અને E20 બંધ થાય એના માટે સતત પ્રયત્ન કરી રહ્યા છે. નેતાઓને ફાયદો કરાવવા માટે આ લોકો આપણી ગાડીઓના માઇલેજ ઓછા કરાવી રહ્યા છે, આપણો ખર્ચો વધારી રહ્યા છે. આનાથી પર્યાવરણને પણ કોઈ ફાયદો નથી અને ગુજરાતના કે દેશના ખેડૂતોને પણ કોઈ ફાયદો થવાનો નથી. આનાથી ફક્ત અમુક કંપનીઓને અને અમેરિકાની સરકાર અને અમેરિકાના ખેડૂતોને ફાયદો થશે. તો આ E20 બંધ થવું જોઈએ એના માટે સમગ્ર દેશમાં હવે માંગણીઓ ઊભી થઈ રહી છે. આ મુદ્દે ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટી રોડ પર ઉતરશે અને જનતાને એક કરવાનું કામ કરશે. મને પૂરો ભરોસો છે કે સાથે મળીને જ આપણે બોલીશું તો E20 બંધ થશે. ફરીથી આપણે બધા જાગૃત થઈને સરકારની સામે લડીએ એવી વિનંતી છે.




