
આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવ્યું હતું કે, વિસાવદર માટે ફરી એક વખત ખુશખબર આવી છે. થોડા દિવસ પહેલાં વિસાવદરથી સતાધાર બાયપાસ બનાવવા માટે ૨૦ કરોડ રૂપિયાની મંજૂરી મળી હતી. આજે ફરી એક મહત્વની મંજૂરી સરકારમાંથી મળી છે. આપણા વિસાવદર તાલુકાના ખંભાળિયા ગામે ઓજત નદી ઉપર ચેકડેમ બનાવવા માટે મુખ્યમંત્રીશ્રીએ એક કરોડ નેવું લાખ રૂપિયા, એટલે કે અંદાજે બે કરોડ રૂપિયાની મંજૂરી આપી છે. આ ઉપરાંત, વિસાવદર તાલુકાના વેકરિયા ગામે ચેકડેમ બનાવવા માટે ૩૨ લાખ રૂપિયાની મંજૂરી મળી છે. એટલે કે આપણા વિસાવદર મતવિસ્તારને સિંચાઈના અને ખેતીના પાણીનો લાભ મળે તે માટે બે નવા ચેકડેમ મંજૂર થયા છે. હું મુખ્યમંત્રી સાહેબનો આભાર વ્યક્ત કરું છું.
’આપ’ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ વધુમાં ઉમેર્યું હતું કે, આપણા મતવિસ્તારના મહત્વના જે કંઈ પ્રશ્નો છે, એની રજૂઆત હું મુખ્યમંત્રીને, વિવિધ વિભાગના સચિવોને, વિવિધ વિભાગના હેડ ઓફ ડિપાર્ટમેન્ટ્સ તથા નિયામકોને કરતો હોઉં છું. આપણો વિસ્તાર ભૌગોલિક રીતે કેવો છે, કયા ગામમાં કેવા પ્રકારની શું જરૂરિયાત શા માટે છે, એ બધું પત્ર લખીને, નકશાની અંદર પ્રિન્ટ કરીને કે ડાયાગ્રામના સ્વરૂપમાં જ્યાં જરૂર પડે ત્યાં રજૂઆત કરતો હોઉં છું, સમજાવતો હોઉં છું, બતાવતો હોઉં છું અને રિક્વેસ્ટ પણ કરતો હોઉં છું. આથી જ આપણા મતવિસ્તારના અનેક નાના-મોટા કામોને સમયે સમયે સરકારી વહીવટી પ્રક્રિયા પૂરી કરીને મંજૂરી મળે છે. આજે વિસાવદર તાલુકાના ખંભાળિયા ગામે ઓજત નદી ઉપર જે બે કરોડના ખર્ચે ચેકડેમ મંજૂર થયો છે તેની અને વેકરિયા ગામે મંજૂર થયેલા ચેકડેમની આપ સૌને શુભેચ્છા પાઠવું છું. હજી પણ ઘણા બધા કામોની લેખિતમાં તથા ઈ-મેલ દ્વારા મુખ્ય રજૂઆતો કરેલી છે. જેમ જેમ તેનાં સારા અને સફળ પરિણામો મળશે, તેમ હું તમને જાણ કરતો રહીશ.




