
શંકાસ્પદ હિલચાલથી પકડાયો આરોપી.બેંગકોકથી લાવવામાં આવેલો કરોડોનો હાઈડ્રોપોનિક ગાંજાે ઝડપાયા.કોર્ટે તમામ દલીલો અને પુરાવાઓને ધ્યાને લઈ આરોપીને જ્યુડિશ્યલ કસ્ટડી (જેલ હવાલે) કરવાનો આદેશ આપ્યો છે.અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર નશાના કારોબાર વિરુદ્ધ કસ્ટમ્સના એર ઇન્ટેલિજન્સ યુનિટ (AIU) એ મોટી સફળતા મેળવી છે. બેંગકોકથી ફ્લાઈટમાં આવેલા એક મુસાફર પાસેથી કરોડોની કિંમતનો હાઈડ્રોપોનિક ગાંજાે ઝડપી પાડવામાં આવ્યો છે. આ ડ્રગ્સ ટ્રોલી બેગમાં છુપાવીને લાવવામાં આવી રહ્યો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર, બેંગકોકથી અમદાવાદ આવેલી ફ્લાઈટમાં એક મુસાફરની હિલચાલ શંકાસ્પદ જણાતા એર ઇન્ટેલિજન્સ યુનિટના અધિકારીઓએ તેની તપાસ કરી હતી. મુસાફરની ટ્રોલી બેગની ઝીણવટભરી તપાસ દરમિયાન તેમાંથી ૩.૯ કિલો હાઈડ્રોપોનિક ગાંજાે મળી આવ્યો હતો. આ ગાંજાે અત્યંત ઉચ્ચ ગુણવત્તાનો હોવાથી આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત કરોડો રૂપિયા અંકાઈ રહી છે.
એરપોર્ટ સુરક્ષા એજન્સીઓએ ડ્રગ્સનો જથ્થો જપ્ત કરી આરોપી મુસાફરની તાત્કાલિક ધરપકડ કરી હતી. આરોપીની પ્રાથમિક પૂછપરછ બાદ તેને સ્થાનિક કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે તમામ દલીલો અને પુરાવાઓને ધ્યાને લઈ આરોપીને જ્યુડિશ્યલ કસ્ટડી (જેલ હવાલે) કરવાનો આદેશ આપ્યો છે.તપાસ એજન્સીઓ હવે એ દિશામાં કામ કરી રહી છે કે આ ડ્રગ્સનો જથ્થો ગુજરાતમાં કોને પહોંચાડવાનો હતો અને શું આ પાછળ કોઈ મોટું આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટ કામ કરી રહ્યું છે? અમદાવાદ એરપોર્ટ પર સતર્કતાને કારણે ડ્રગ્સ ઘુસાડવાનો આ મોટો પ્રયાસ નિષ્ફળ રહ્યો છે.




