
વિકાસ કાર્યોની સમીક્ષા અને વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કરશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસ વતનના પ્રવાસે લોકસભા ક્ષેત્રની સાર્વજનિક હોસ્પિટલોની કામગીરીની સમીક્ષા બેઠક, અખંડ આનંદ તેમજ સસ્તુ સાહિત્ય મુદ્રણાલય ટ્રસ્ટની કામગીરી અંગેની બેઠકો પણ યોજાશે
તાજેતરમાં આસામ, પુડુચેરી સહિત પશ્ચિમ બંગાળની વિધાનસભા ચૂંટણીઓમાં જીત બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ૧૦ અને ૧૧ મેના રોજ વતનના પ્રવાસે આવ્યા હતા. જે બાદ હવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આગામી તા. ૧૬ અને ૧૭ મે દરમિયાન ગાંધીનગર લોકસભા ક્ષેત્રના બે દિવસીય પ્રવાસની રૂપરેખા ઘડાઈ છે.
બે દિવસના પ્રવાસમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના વિવિધ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. જે અંતર્ગત ૧૬ મેના રોજ અમિત શાહની અધ્યક્ષતામાં ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં પ્રગતિ હેઠળના વિવિધ વિકાસ પ્રકલ્પોની સમીક્ષા બેઠક યોજાશે. જેમાં ગાંધીનગર લોકસભા – હરિયાળી લોકસભા અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ, સરખેજ-ગાંધીનગર હાઈવેના આધુનિકરણ, ગાંધીનગર લોકસભાના તળાવોના નવીનીકરણ અને ઇન્ટરલિંકિંગ કામગીરીઓમાં થયેલી પ્રગતિની સમીક્ષા બેઠક તથા ગાંધીનગર લોકસભા તેમજ માણસા નગરપાલિકાના ય્ેંડ્ઢઝ્ર સહિતના વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક સામેલ છે. તેમજ લોકસભા ક્ષેત્રની સાર્વજનિક હોસ્પિટલોની કામગીરીની સમીક્ષા બેઠક, અખંડ આનંદ તેમજ સસ્તુ સાહિત્ય મુદ્રણાલય ટ્રસ્ટની કામગીરી અંગેની બેઠકો પણ યોજાશે.
આ ઉપરાંત ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં કાર્યરત રમશે બાળક – ખીલશે બાળક અભિયાન અંતર્ગત રમકડા એકત્રિકરણ અભિયાનના ઇન્ચાર્જ અને સહ-ઇન્ચાર્જ સાથે બેઠક યોજશે. જ્યારે ઘાટલોડિયા, વેજલપુર, સાબરમતી તથા નારણપુરા વિધાનસભા વિસ્તારોમાંથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નવા ચૂંટાયેલા કાઉન્સિલરો સાથે શુભેચ્છા મુલાકાત કરીને સંવાદ માટેના કાર્યક્રમની રૂપરેખા ઘડાઈ છે.
૧૭ મેના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદના ત્રાગડ ખાતે ગણેશ હાઉસિંગ દ્વારા નિર્મિત મિલિયન માઈન્ડ્સ ટેક પાર્ક આઈ.ટી. અને ગ્લોબલ કેપેબિલિટી સેન્ટરની મુલાકાત કરશે. જ્યારે ગાંધીનગર જિલ્લાના દશેલા ખાતે ગાંધીનગર જિલ્લા દૂધ સંઘ લિ. મધુર ડેરી દ્વારા નિર્મિત પાંચ લાખ લીટર ક્ષમતાવાળા અદ્યતન પ્લાન્ટનું ઉદ્ઘાટન સમારોહમાં ઉપસ્થિત રહેશે.
આ ઉપરાંત ઇન્ફોસિટી, ગાંધીનગર ખાતે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન, અમદાવાદના ઇનોવેશન એન્ડ ઇન્ક્યુબેશન સેન્ટરનું લોકાર્પણ તેમજ ગાંધીનગર મહાનગરપાલિકાના વિવિધ વિકાસલક્ષી કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરવામાં આવશે. આમ બે દિવસના પ્રવાસમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેમના સંસદીય ક્ષેત્રના વિકાસ કામોના સહભાગી થશે.



