
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનજીનું રાજકોટ એરપોર્ટ ખાતે આગમન થયું હતું. આ દરમિયાન રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજીએ મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, હું અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા છીએ. આજે ગુજરાતમાં હજારો અને લાખોની સંખ્યામાં લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે આનાથી સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે ગુજરાત બદલાવ માંગી રહ્યું છે, આમ આદમી પાર્ટી આવનાર દિવસોમાં ખૂબ જ સારું પ્રદર્શન કરશે. થોડા દિવસોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું આયોજન થવા જઈ રહ્યું છે, એમાં પણ આમ આદમી પાર્ટીનું ખૂબ જ સારું પ્રદર્શન રહેશે. અને જ્યારે બે વર્ષ પછી વિધાનસભા ચૂંટણી થશે ત્યારે વિધાનસભામાં પણ આમ આદમી પાર્ટીની સરકાર બનશે.
વધુમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતા અરવિંદ કેજરીવાલજીએ જણાવ્યું હતું કે, અમને જાણવા મળ્યું છે કે ગુજરાતમાં પેટ્રોલ પંપો પર લાંબી લાંબી લાઈનો લાગી રહી છે અને પ્રધાનમંત્રી મોદીએ પોતે સંસદમાં કહ્યું છે કે “આવનારો સમય ખૂબ જ કઠિન હશે.” આજે કેન્દ્ર સરકારની અને મોદી સરકારની જે વિદેશ નીતિ છે તેના કારણે દેશના લોકો આ ભોગવી રહ્યા છે. યુદ્ધના એક દિવસ પહેલા નેતન્યાહૂને ગળે લગાવવાની શું જરૂર હતી? ઇઝરાયલ જવાની શું જરૂર હતી? ટ્રમ્પની ગુલામી કરવાની શું જરૂર હતી? આખા દેશને ટ્રમ્પના ચરણોમાં મૂકી દેવાની શું જરૂર હતી? ઈરાન આપણો જૂનો મિત્ર દેશ છે અને ઈરાનથી દુશ્મની કરી લીધી. આજે આપણું કોઈપણ જહાજ ત્યાંથી પેટ્રોલ અને ગેસ લઈને નથી નીકળી શકતું. જો આપણે ન્યુટ્રલ રહેતા અને કોઈપણ પક્ષની ખિલાફ ન બોલતા તો આજે આપણે આટલી ખરાબ પરિસ્થિતિમાં ન હોત.
ત્યારબાદ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે ગુજરાતમાં ખેડૂતો ખૂબ જ હેરાન પરેશાન છે. જ્યારે પંજાબમાં ખેડૂતોને સિંચાઈનું પાણી મળે છે, ફ્રી વીજળી મળે છે, તેમનો પાક સમયસર ખરીદી લેવામાં આવે છે અને ખેડૂતોને એમના ભાવ મળી જાય છે. પંજાબમાં પણ 2022 પહેલા ખેડૂતો દુઃખી હતા પરંતુ આજે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે અને અમે ફક્ત ચાર વર્ષની સરકારમાં તમામ ગેરંટીઓ પૂરી કરી દીધી છે. અમે જ્યારે પણ ગુજરાતમાં આવીએ છીએ ત્યારે અમને ખૂબ જ પ્રેમ મળે છે અને જેમ અરવિંદ કેજરીવાલજીએ કહ્યું તેમ આવનારા સમયમાં આમ આદમી પાર્ટી વિજયના ઝંડા લહેરાવશે.




