Heat in Ahmedabad : રાજ્યમાં દિવસે દિવસે બપોરના સમયે કાળઝાળ ગરમી પડી રહી છે. તેને લઈને તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. ઉપરાંત શહેરમાં બપોરના સમયે ચાર રસ્તા પર ટ્રાફિક સિગ્નલ પર શહેરીજનોને ગરમીમાં સેકાવું ન પડે તે માટે બપોરના 12થી 4 વાગ્યા સુધી શહેરના 100 જેટલા ટ્રાફિક સિગ્નલો બ્લીન્કિંગ એટલે કે બંધ રાખવાનો નિર્ણય શહેર ટ્રાફિક પોલીસ દ્વારા લેવામાં આવ્યો છે.
આ ઉપરાંત પોલીસ એએમસી સાથે મળીને ચાર રસ્તા પર મંડપ પણ બાંધશે. જેથી કરીને વાહનચાલકોને છાંયડો મળી રહે તેમજ બાકીના ભીડભાડ વાળા ટ્રાફિક સિગ્નલ પર વાહનચાલકોને ઓછા ગરમીમાં ઉભા રહેવું પડે તે માટે ટાઈમિંગમાં ઘટાડો કરવામાં આવ્યો છે.
અમદાવાદમાં શહેર ટ્રાફિક પોલીસ દ્વારા વાહનચાલકોને ગરમીમાં સિગ્નલ પર ન ઉભા રહેવું પડે તે માટે કુલ 305 ટ્રાફિક સિગ્નલમાંથી 100 જેટલા સિગ્નલોને બપોરના 12થી 4 સુધી બ્લીન્કિંગ પર મૂકવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેમજ શહેરમાં 50થી વધુ ચાર રસ્તા પર મંડપ બાંધવાનો નિર્ણય પણ કરાયો છે. ત્યારે ચાર રસ્તા પર ઉભા રહેતા ટ્રાફિક જવાનો માટે પણ મેડિકલ સહિતની તમામ વ્યવસ્થા કરી દેવામાં આવી છે. તેમજ ગરમીમાં રેડ, યલો જેવા એલર્ટના આધારે ટ્રાફિક સિગ્નલો પર ફેરફાર પણ કરવામાં આવશે.