
વન વિભાગનું સફળ રેસ્ક્યુ ઓપરેશન ઝાંઝરીયામાં ૫૦ ફૂટ ઊંડા કૂવામાં ખાબક્યું સિંહ બાળ સદનસીબે વન વિભાગની સમયસૂચકતાને કારણે સિંહ બાળને હેમખેમ બહાર કાઢવામાં સફળતા મળી છે
ગીરની સરહદે આવેલા ગામોમાં અવારનવાર વન્યપ્રાણીઓ રહેણાંક અને સીમ વિસ્તારમાં ચઢી આવતા હોય છે. ગીર ગઢડા તાલુકાના ઝાંઝરીયા ગામે આવી જ એક ઘટના બની હતી, જેમાં એક સિંહ બાળ અચાનક સીમમાં આવેલા ૫૦ ફૂટ ઊંડા ખુલ્લા કૂવામાં ખાબક્યું હતું. સદનસીબે વન વિભાગની સમયસૂચકતાને કારણે સિંહ બાળને હેમખેમ બહાર કાઢવામાં સફળતા મળી છે.
ઝાંઝરીયા ગામની સીમમાં આવેલી રવેશીંગભાઈ વાળાની વાડીમાં આ ઘટના બની હતી. રાત્રિના સમયે અથવા વહેલી સવારે સિંહ બાળ લટાર મારતું આ વિસ્તારમાં આવ્યું હશે અને અંધારામાં વાડીમાં રહેલા અંદાજિત ૫૦ ફૂટ ઊંડા ખુલ્લા કૂવામાં પડી ગયું હતું. વાડી માલિકને આ અંગે જાણ થતા જ તેમણે માનવતા દાખવી તુરંત જસાધાર વન વિભાગની ટીમને જાણ કરી હતી.
ઘટનાની ગંભીરતા સમજીને જસાધાર વન વિભાગની ટીમ સાધન-સામગ્રી સાથે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી.
કૂવો ઊંડો હોવાથી રેસ્ક્યુ કામગીરી પડકારજનક હતી, પરંતુ વનકર્મીઓએ ભારે જહેમત બાદ સિંહ બાળને સુરક્ષિત રીતે કૂવામાંથી બહાર કાઢ્યું હતું. વન વિભાગની આ ત્વરિત કામગીરીને કારણે એક મોટી અનિચ્છનીય ઘટના ટળી હતી અને વન્યજીવ પ્રેમીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.




