
વડોદરા: ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ (GETCO) ને CBIP એવોર્ડ 2024 ખાતે સમગ્ર દેશમાં શ્રેષ્ઠ પ્રદર્શન ધરાવતી પાવર ટ્રાન્સમિશન (સિસ્ટમ) યુટિલિટીના એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલ છે. પાવર ટ્રાન્સમિશન ક્ષેત્રે વિવિધ ટેકનિકલ બાબતો અને કામગીરીના પરિમાણો પર તેના ઉત્કૃષ્ટ કામગીરી માટે GETCO એ આ પ્રતિષ્ઠિત પુરસ્કાર મેળવ્યો છે.
સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇરિગેશન એન્ડ પાવર (CBIP) ના તા. ૨૧ માર્ચ, ૨૦૨૫, શુક્રવારના રોજ નવી દિલ્હી ખાતે આયોજિત એવોર્ડ સમારોહમાં જેટકો વતી મેનેજિંગ ડિરેક્ટર ઉપેન્દ્ર પાંડે અને મુખ્ય ઇજનેર (પ્રોજેક્ટ્સ) એબી રાઠોડ દ્વારા આ એવોર્ડ સ્વીકારવામાં આવ્યો. સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટી (CEA) ના અધ્યક્ષ ઘનશ્યામ પ્રસાદ અને સેન્ટ્રલ વોટર કમિશનના અધ્યક્ષ ડૉ. મુકેશ કુમાર સિંહાના હસ્તે આ એવોર્ડ આપવામાં આવ્યો.
એવોર્ડ સ્વીકારતી વખતે GETCO MD ઉપેન્દ્ર પાંડેએ રાજ્ય સરકારના નેતૃત્વનો તેમના વિઝન માટે, માનનીય ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈનો તેમના અવિરત સમર્થન અને માર્ગદર્શન માટે અને GETCO ને વિવિધ સીમાચિહ્નો હાંસલ કરવામાં અને વર્ષ-દર-વર્ષે સુધારેલા પ્રદર્શન માટે મદદ કરવા બદલ ગુજરાત સરકારના ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના અધિક મુખ્ય સચિવ એસ.જે. હૈદરે આભાર માન્યો.
આ ઉપરાંત તેમણે GETCO ને દેશમાં શ્રેષ્ઠ ટ્રાન્સમિશન યુટિલિટી તરીકે જાહેર કરવા બદલ CBIP નો પણ આભાર માન્યો હતો.
પાંડેએ વધુમાં ઉમેર્યું હતું કે, “જેટકો ગુજરાતના વિકાસ માટે વિશ્વસનીય અને સસ્તી ને સ્વચ્છ ઊર્જા સુનિશ્ચિત કરવા માટે રિન્યૂઅબલ ઊર્જાના ઇન્ટીગ્રેશનના કામને આગળ ધપાવીને અને માળખાગત સુવિધાઓનું વિસ્તરણ કરીને એક ટકાઉ ભવિષ્યને આપવા માટે કટિબદ્ધ છે.”
વધુમાં તેમણે ઉમેર્યું કે આ એવોર્ડથી GETCO ના પ્રયાસોને ખાસ પ્રોત્સાહન મળશે જ્યારે ગુજરાતે વર્ષ 2030 સુધીમાં 100 GW થી વધુ RE ઇન્ટીગ્રેશનનો મહત્વાકાંક્ષી લક્ષ્યાંક પ્રાપ્ત કરવાનું નક્કી કરેલ છે, જેના માટે ટ્રાન્સમિશન ક્ષમતા નેટવર્કની મોટા પ્રમાણમાં વિસ્તરણની જરૂર પડશે. આ 100 GW થી વધુના આ લક્ષ્યાંકમાંથી, 65 GW જેટલી ક્ષમતા ઇન્ટ્રા-સ્ટેટ નેટવર્ક દ્વારા પ્રાપ્ત કરવામાં આવશે.
જેટકોની કામગીરીના પરિમાણો ઉપર વાત કરતા પાંડેએ જણાવ્યું હતું કે GETCO ભારતના ટ્રાન્સમિશન ક્ષેત્રમાં મોખરે રહ્યું છે અને આ એવોર્ડ કંપનીની કાર્યક્ષમ અને પ્રોજેક્ટ્સ પૂર્ણ કરવામાં, માળખાગત સુવિધાઓના વિસ્તરણમાં, ઉચ્ચ વિશ્વસનીયતા અને ન્યૂનતમ ડાઉનટાઇમ સુનિશ્ચિત કરવામાં, અદ્યતન ટેકનોલોજી અપનાવવામાં અને કામગીરી વધારવા માટે સ્માર્ટ સોલ્યુશન્સ, કટોકટીને પહોંચી વળવા માટે વ્યૂહરચનાઓનો અમલ કરવા અને સલામતીને પ્રાથમિકતા આપવા અને ટકાઉપણાને પ્રોત્સાહન આપવા માટે પર્યાવરણીય અસર ઘટાડવાના પ્રયાસોમાં વગેરે નેતૃત્વની ભૂમિકાને પ્રતિબિંબિત કરે છે.
હાલમાં GETCO પાસે 77,200 કિમીનું ટ્રાન્સમિશન લાઇન નેટવર્ક છે, જેમાં 2394 સબસ્ટેશન અને 1,74,872 MVA ની ટ્રાન્સમિશન ક્ષમતાનો સમાવેશ થાય છે અને 99.47% ની ટ્રાન્સમિશન સિસ્ટમ ઉપલબ્ધતા ધરાવે છે
GETCO એ જે વિવિધ પરિમાણોમાં તેના નોંધપાત્ર પ્રદર્શન માટે આ પુરસ્કાર જીત્યો છે તેમાં ઝડપી પ્રોજેક્ટ અમલીકરણ, સંપત્તિ ઉમેરણ, સિસ્ટમ ઉપલબ્ધતા, નવીન પગલાંઑ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને સલામતી પહેલ, પર્યાવરણીય માપદંડ જેવા વિવિધ પરિમાણોનું મૂલ્યાંકન શામેલ છે.
