
ગુજરાત સરકાર દ્વારા ટેક્સટાઇલ ઉદ્યોગના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને અમલમાં મૂકાયેલી નવી ટેક્સટાઇલ પોલિસી–2024માં કરવામાં આવેલા તાજેતરના સુધારાઓને ટેક્સટાઇલ ક્ષેત્રના વેપારીઓએ હર્ષભેર આવકાર્યા છે. આ સુધારાઓ અંગે મસ્કતી મહાજન, અમદાવાદ એમ્બ્રોડરી એસોસિએશન તથા ગુજરાત ગારમેન્ટ મેન્યુફેક્ચરિંગ એસોસિએશન દ્વારા સંયુક્ત રીતે મસ્કતી મહાજન હોલ ખાતે પ્રેસવાર્તાનું આયોજન કરવામાં આવ્યું હતું.
પ્રેસવાર્તામાં મસ્કતી મહાજનના પ્રમુખ શ્રી ગૌરાંગ ભગતે જણાવ્યું હતું કે મહાનગર વિસ્તારોમાં નોન-પોલ્યુટિંગ યુનિટોને મંજૂરી આપવાનો સરકારનો નિર્ણય ઐતિહાસિક છે. આ પગલાંથી નાના અને મધ્યમ કદના યુનિટોને સરકારની વિવિધ સહાય યોજનાઓનો લાભ મળશે અને રાજ્યના ટેક્સટાઇલ ઉદ્યોગને નવી દિશા અને વેગ મળશે.
આ પ્રસંગે અમદાવાદ એમ્બ્રોડરી એસોસિએશનના પ્રમુખ શ્રી દલસુભાઈ પટેલે સરકારના નિર્ણયને આવકારતાં જણાવ્યું હતું કે મહાનગરોમાં કાર્યરત યુનિટોને હવે કાયદેસર સ્વીકૃતિ મળવાથી સંચાલકોને અનેક પ્રાયોગિક લાભ થશે. યુનિટના સંચાલનમાં આવતી અડચણો દૂર થશે અને કેપિટલ સબસીડી, લોન પર વ્યાજ સબસીડી તેમજ પાવર ટેરીફ સબસીડી જેવી વિવિધ પ્રોત્સાહક સહાયોથી ઉદ્યોગને મોટો લાભ મળશે.
ત્યારબાદ ગુજરાત ગારમેન્ટ મેન્યુફેક્ચરિંગ એસોસિએશનના ઉપપ્રમુખ શ્રી મનીષ પટેલે જણાવ્યું હતું કે CWGના આયોજનને લઈને યુનિટો પર પ્રદૂષણના આધારે પ્રતિબંધ લાગવાની જે ભીતિ વેપારીઓમાં હતી, તે હવે દૂર થઈ છે. સરકાર દ્વારા કરાયેલા આ સુધારાઓથી વેપારીઓમાં વિશ્વાસ વધ્યો છે અને ઉદ્યોગને સ્થિરતા મળશે.
ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકાર દ્વારા ટેક્સટાઇલ પોલિસી–2024માં કરાયેલા નવા સુધારા મુજબ હવે મહાનગર વિસ્તારોમાં પણ નોન-પોલ્યુટિંગ યુનિટોને મંજૂરી આપવામાં આવશે, જેથી સરકાર દ્વારા આપવામાં આવતાં વિવિધ ઇન્સેન્ટિવનો લાભ મળી શકશે. આ સાથે મહિલાઓ દ્વારા સંચાલિત સ્વસહાય જૂથો તેમજ સિંગલ ગ્રુપને પણ તમામ પ્રકારની ઇન્સેન્ટિવ સહાયના લાભ હેઠળ આવરી લેવામાં આવ્યા છે.
આ તમામ સુધારાઓ ગુજરાતના ટેક્સટાઇલ અને ગારમેન્ટ ઉદ્યોગ માટે વિકાસના નવા દ્વાર ખુલ્લા કરશે એવી આશા વેપારીઓએ વ્યક્ત કરી હતી.




