
આમ આદમી પાર્ટીના કિસાન સેલના પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામે એક વીડિયોના માધ્યમથી આઘાતજનક ઘટના વિશે વાત કરતા જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દામનગર ટાઉનમાં એક ખેડૂતે પાકમાં નુકસાની જવાના કારણે આત્મહત્યા કરી છે. આ મૃતક ખેડૂતના પરિવારને હું સાંત્વના પાઠવું છું અને એમને આ દુઃખ સહન કરવાની ભગવાન શક્તિ આપે એવી પણ પ્રાર્થના કરું છું. હું ગુજરાતના ખેડૂતોને અપીલ કરું છું કે આ કોઈ નિરાકરણ નથી. ભાજપના રાજમાં ખેડૂતોની સ્થિતિ દયનીય છે, એ અમે સમજીએ છીએ. ભાજપની સરકાર મોટી મોટી વાતો કરે છે કે અમારા રાજમાં ખેડૂતોની આવક બમણી થઈ છે. જો વાસ્તવમાં ગુજરાતના ખેડૂતોની આવક બમણી થઈ હોય તો ખેડૂતો આત્મહત્યા ન કરે. ગુજરાતમાં હજારો ખેડૂતો આત્મહત્યા કરવા તરફ આગળ વધી જાય છે કારણ કે તેઓ ખેતીના માધ્યમથી પોતાના પરિવારનું ભરણપોષણ પણ નથી કરી શકતા. જો આ ખેડૂતોની આવક બમણી થઈ હોય તો તેઓ આત્મહત્યા તરફ ક્યારેય પણ ન જાય.
વધુમાં આમ આદમી પાર્ટીના ખેડૂત નેતા પ્રવીણ રામે જણાવ્યું હતું કે, ગુજરાતના તમામ ખેડૂતોને કહેવા માંગુ છું કે આ નિરાકરણ નથી આપણે તમામ લોકોએ ઝઝૂમવાનું છે, લડવાનું છે અને જે સત્તા ખેડૂતોને ન્યાય નથી અપાવી શકતી એ લોકોને સત્તામાંથી દૂર કરવાના છે અને જે લોકો ખેડૂતો માટે લડત લડવા માંગે છે એવા યોગ્ય લોકોને સત્તામાં બેસાડવાના છે, એ નિરાકરણ છે. હું સરકાર સમક્ષ માંગ કરું છું કે આ ખેડૂત પરિવારને યોગ્ય સહાય આપવામાં આવે. આમ આદમી પાર્ટીનું પ્રતિનિધિમંડળ આ ખેડૂત પરિવારને મળવા પણ જશે, સાંત્વના પાઠવશે અને અમારા તરફથી યથાયોગ્ય સહયોગ પણ કરીશું અને સરકાર પાસે જે પણ માંગ થતી હશે એ પણ કરીશું. જો ખેડૂત જીવશે તો જ ખેતી બચશે અને ખેતી હશે તો જ રાજ્ય અને દેશની અર્થવ્યવસ્થા ટકશે. જે પણ ઘટના ઘટી છે તેનાથી હું ખૂબ જ દુઃખી છું અને પરિવારને સાંત્વના પાઠવું છું.




