
આમ આદમી પાર્ટીના રાજકોટ જિલ્લા પ્રમુખ તેજસ ગાજીપરાએ વિડીયોના માધ્યમથી જણાવ્યું હતુ કે રાજકોટથી ગોંડલ જતાં ઉદ્યોગ વિસ્તારમાં આવેલા અનેક ઉદ્યોગોમાંથી ૮૦૦થી વધુ ઉદ્યોગો બંધ થઈ ગયા છે અથવા શટડાઉન થઈ ગયા છે. જેના કારણે ત્યાં કામ કરતા એક લાખથી વધુ લોકોની રોજગારી પર ગંભીર અસર પડી છે. આ ઉદ્યોગોમાં ગેસ આધારિત ઉદ્યોગો, જેમ કે કાસ્ટિંગ અને ઓટોમોબાઇલ સાથે જોડાયેલી ફેક્ટરીઓનો સમાવેશ થાય છે, જેના પર સૌથી વધુ અસર જોવા મળી છે. તેના પરિણામે હજારો પરિવારોના જીવન પર મોટી અસર પડી છે. તેમણે સરકારને નિશાન બનાવી જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટીની સરકાર રોજગારી આપવાના મોટા મોટા દાવા કરે છે, પરંતુ હકીકતમાં નાના ઉદ્યોગોની રોજગારી છીનવવામાં આવી રહી છે.
AAP નેતા તેજસ ગાજીપરાએ વધુમાં જણાવ્યું કે ગેસનો પુરવઠો બંધ થવાને કારણે ઉદ્યોગોમાં ઉત્પાદન અટકી ગયું છે. ગેસ ઉપલબ્ધ હોવા છતાં યોગ્ય રીતે સપ્લાય ન થવાને કારણે ઉદ્યોગોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જો ગેસનો નિયમિત પુરવઠો મળે તો ઘણા ઉદ્યોગો ફરી શરૂ થઈ શકે છે. તેમણે મોરબીના સિરામિક ઉદ્યોગનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે ત્યાં પણ ગેસ અને પોલિસી સંબંધિત મુદ્દાઓને કારણે ઉદ્યોગો પર ગંભીર અસર પડી છે અને આવનારા સમયમાં ભાવવધારો થવાની શક્યતા છે. તાજેતરમાં કોમર્શિયલ ગેસના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે, જેના કારણે નાના ઉદ્યોગો અને વેપારીઓ પર વધુ ભાર પડ્યો છે. ઘણા નાના ધંધા અને રોજગારો બંધ થવાની કગાર પર છે. તેમણે સરકારને અપીલ કરી કે આ મુદ્દે ગંભીર વિચારણા કરીને ઉદ્યોગોને ફરી શરૂ કરવા માટે જરૂરી પગલાં લેવાની જરૂર છે. નહીં તો આવનારા સમયમાં બેરોજગારીમાં મોટો વધારો થવાની શક્યતા છે. તેમણે જણાવ્યું કે માત્ર વાતો નહીં, પરંતુ જો સરકાર યોગ્ય પગલાં લેશે તો અમે તેને સંપૂર્ણ સમર્થન કરીશું.




