
વિધાનસભામાં થયેલી ચર્ચા અંગે આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે આજે મેં સરકારને કુલ ત્રણ તારાંકિત પ્રશ્નો પૂછ્યા હતા. જોકે મારા બે પ્રશ્નો સિલેક્ટ થયા નથી, એટલે કે મંજૂર થયા નથી, જ્યારે એક પ્રશ્ન મંજૂર થવાને કારણે સરકાર તરફથી તેનો જવાબ મને મળ્યો છે. મૂળ મુદ્દો એ છે કે ગુજરાત હાઈકોર્ટ અમદાવાદમાં આવેલી છે અને ગુજરાત રાજ્ય ખૂબ વિશાળ છે. એક બાજુ કચ્છનો સરહદી વિસ્તાર છે, એક બાજુ વાપી સુધી ગુજરાત ફેલાયેલું છે, એક બાજુ વાવ સુધી અને બીજી બાજુ ઝાલોદ સુધી રાજ્ય વિસ્તરેલું છે. તેમ છતાં હાઈકોર્ટની માત્ર એક જ પ્રિન્સિપલ બેંચ અમદાવાદમાં કાર્યરત છે. હું પોતે વકીલ તરીકે વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલો હોવાથી મને ખબર છે કે હાઈકોર્ટની માત્ર એક જ પ્રિન્સિપલ બેંચ હોવાને કારણે રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં પ્રેક્ટિસ કરતા વકીલો, કેસ સાથે સંકળાયેલા પક્ષકારો તથા સરકારી અધિકારીઓને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ઉદાહરણ તરીકે, વાપી કે કચ્છના અંતરિયાળ વિસ્તારોથી લઈને દેવભૂમિ દ્વારકા જેવા દૂરના વિસ્તારોમાંથી કેસની તારીખ માટે અમદાવાદ આવવું પડે છે. પોલીસ, કલેક્ટર, ફરિયાદી, આરોપી અને વકીલ સૌને અમદાવાદ આવવું પડે છે, જેના કારણે રહેવા, જમવા, મુસાફરી અને અન્ય ખર્ચા સહિત હજારો રૂપિયાનો ખર્ચ થતો હોય છે. ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે અન્ય રાજ્યોમાં હાઈકોર્ટની એક કરતાં વધુ બેંચો કાર્યરત છે. મહારાષ્ટ્રમાં મુંબઈ મુખ્ય પ્રિન્સિપલ બેંચ છે, પરંતુ નાગપુર અને અન્ય વિસ્તારોમાં પણ હાઈકોર્ટની બેંચો છે. તે જ રીતે મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોમાં પણ એકથી વધુ હાઈકોર્ટ બેંચો કાર્યરત છે. તેમણે જણાવ્યું કે ગુજરાતમાં પણ જો સુરત અને રાજકોટ ખાતે હાઈકોર્ટની સર્કિટ બેંચ શરૂ કરવામાં આવે તો સૌરાષ્ટ્ર વિસ્તારના કેસોની સુનાવણી રાજકોટ ખાતે થઈ શકે અને દક્ષિણ ગુજરાતના કેસોની સુનાવણી સુરતમાં થઈ શકે. જેના કારણે વાપી, વલસાડ, ડાંગ, તાપી, નર્મદા જેવા દૂરના વિસ્તારોના લોકોને અમદાવાદ આવવાની જરૂર નહીં રહે અને તેમનો સમય તેમજ ખર્ચ બંને બચી શકે. આ મુદ્દે સરકારનું ધ્યાન દોરવા માટે પ્રશ્ન પૂછ્યો હતો, પરંતુ તેમનો આ પ્રશ્ન મંજૂર ન થતાં સરકાર તરફથી કોઈ જવાબ મળ્યો નથી અને આ મુદ્દે વિધાનસભામાં કોઈ ચર્ચા પણ થઈ નથી. ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું કે જનતાના મંચ પરથી તેઓ ગુજરાત સરકારને અપીલ કરે છે કે રાજકોટ અને સુરતમાં હાઈકોર્ટની સર્કિટ બેંચ, ડબલ જજોની બેંચ તરીકે શરૂ કરવામાં આવે. જેથી અમદાવાદ સ્થિત પ્રિન્સિપલ બેંચ ઉપરનો ભાર ઘટાડાશે અને લોકોને પોતાના વિસ્તારમાં અથવા નજીકમાં જ ન્યાયની સુવિધા ઉપલબ્ધ થશે.
ગોપાલ ઇટાલિયાએ વધુમાં જણાવ્યું હતું કે મેં ગુજરાતના કોળી સમાજ માટે એક રજૂઆત કરી હતી. કોળી સમાજ ગુજરાતનો સંખ્યાની દૃષ્ટિએ સૌથી મોટો સમાજ છે અને કોળી સમાજનું આસ્થાનું કેન્દ્ર સંત શ્રી વેલનાથ બાપુ છે. વેલનાથ બાપુનું જન્મસ્થળ અને તેમનો ઐતિહાસિક ધૂણો જુનાગઢ જિલ્લાના પલાસવા ગામે આવેલ છે. સંત શ્રી વેલનાથ બાપુને ગુજરાતભરના કોળી સમાજ દ્વારા ખૂબ શ્રદ્ધા અને આસ્થાથી માનવામાં આવે છે. પરંતુ એવા સંત વેલનાથ બાપુના ધૂણાનો આજ સુધી ગુજરાતની ભાજપ સરકાર દ્વારા કોઈ યોગ્ય વિકાસ કરવામાં આવ્યો નથી. ત્યાં કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સુવિધા, યાત્રાળુઓને માહિતી મળે એવી વ્યવસ્થા, રહેવા-જમવાની સુવિધા, પાર્કિંગ, CCTV કેમેરા, ટોયલેટ-બાથરૂમ તેમજ મહિલાઓ માટેની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. આટલો વિશાળ કોળી સમાજ જે વેલનાથ બાપુને માનતો હોય, તેવા વેલનાથ બાપુના જન્મસ્થળનો વિકાસ કરવો સરકારની પ્રાથમિકતા હોવી જોઈએ. પરંતુ દુર્ભાગ્યવશ પલાસવા ગામે આવેલ વેલનાથ બાપુના ધૂણાનો હજુ સુધી વિકાસ થયો નથી. આ કારણે હું પ્રશ્નના માધ્યમથી સરકારનું ધ્યાન દોરવા માંગતો હતો કે આ ધૂણાનો વિકાસ ક્યારે કરવામાં આવશે અને અત્યાર સુધી ન થયો હોય તો આગામી સમયમાં શું આયોજન છે. પરંતુ મારો આ પ્રશ્ન મંજૂર ન થતાં આ મુદ્દે ગૃહમાં કોઈ ચર્ચા થઈ નથી અને મને કોઈ જવાબ પણ મળ્યો નથી. તેથી આ જાહેર મંચના માધ્યમથી સરકારને વિનંતી છે કે જ્યાં કરોડો રૂપિયાનો ખર્ચ અન્ય જગ્યાએ કરવામાં આવે છે, ત્યાં સંત શ્રી વેલનાથ બાપુના ધૂણાનો પલાસવા ગામે વિકાસ કરવામાં આવે તો દેશ-વિદેશના શ્રદ્ધાળુઓ અને યાત્રાળુઓ સંત શ્રી વેલનાથ બાપુ અને તેમના સમાજના યોગદાન વિશે જાણી શકશે.
ગોપાલ ઇટાલિયાએ વધુમાં જણાવ્યું હતું કે આજે વિધાનસભાની અંદર અધ્યક્ષે એક ચુકાદો સંભળાવ્યો હતો. ચુકાદામાં તેમણે કહ્યું કે વિધાનસભાના ગૃહની અંદર જે ચર્ચા ન થઈ હોય તે ચર્ચા બહાર કરવી જોઈએ નહીં. આ વાત તેમની સાચી છે, કારણ કે વિધાનસભાની અંદર ચર્ચા કરવાની સમય મર્યાદા હોય છે અને દરેક વિષય ઉપર ચર્ચા થઈ શકતી નથી. જેમ કે આજે જ મેં ફિક્સ પગાર અંગે સુપ્રીમ કોર્ટના વકીલોને સરકાર દ્વારા ચૂકવવામાં આવતી ફી અંગેનો પ્રશ્ન પૂછ્યો હતો. સરકારનો જવાબ મને મળ્યો છે, પરંતુ તેની ચર્ચા થઈ નથી. હવે જવાબ મળ્યો છે તો જે ચર્ચા અંદર થઈ નથી, તે બાબતે મારો પોતાનો રાજકીય, સામાજિક અને તાત્વિક અભિપ્રાય શું છે તે હું મીડિયા સમક્ષ કહેવા માટે સ્વતંત્ર છું. સરકારે મને લખીને આપ્યું છે કે સુપ્રીમ કોર્ટમાં ફિક્સ પગારના કેસની સુનાવણી માટે એક મુદ્દતના બે લાખ રૂપિયા લઈને પાંચ-પાંચ, દસ- દસ વકીલો સરકારે રાખ્યા છે. આની ચર્ચા ગૃહમાં નથી થઈ, પરંતુ બહાર તો કહેવાનું કે સરકારની એવી શું મજબૂરી છે કે કર્મચારીઓને પગાર આપવાના બદલે વકીલોની પાછળ એક મુદ્દતના બે લાખ રૂપિયાનો ખર્ચો કરે છે. એ જનતાના પૈસા છે અને પગાર ચૂકવો તો પણ જનતાના પૈસા છે. તો જે મુદ્દત, જે વિષય હોય અને જે મુદ્દા ઉપર સમયના અભાવે વિધાનસભામાં ચર્ચા ન થઈ શકે, એ વિષય ઉપર અમારું રાજકીય અવલોકન શું છે, અમારું સામાજિક અવલોકન શું છે અને અમારી નીતિ શું છે, તે અમે કહેવા માટે સ્વતંત્ર છીએ. અને એવું કહેવું વિરોધપક્ષ તરીકે અમારી ફરજ પણ છે.




