
ભારતની ચિંતા વધી બાંગ્લાદેશ ભારતની એકદમ નજીક બનાવી રહ્યું છે સૈન્ય મથક બાંદરબન જિલ્લાના નાઇખોંગછારી વિસ્તારમાં આ ગતિવિધિ ચાલી રહી છે, જ્યાં હથિયારબંધ રોહિંગ્યા જૂથોની હાજરી છે બાંગ્લાદેશમાં ફરી કંઈક એવું ચાલી રહ્યું છે, જે ભારત માટે સાવધાન કરનારી બાબત છે. ચીન અને પાકિસ્તાન સાથે નિકટતા વધાર્યા બાદ હવે આ દેશ પોતાની થલસેનાને મ્યાનમાર સાથે જાેડાયેલી સરહદ નજીક એક નવું છાવણી ક્ષેત્ર વિકસાવવાની દિશામાં ધીમે-ધીમે આગળ વધી રહ્યો છે. બાંદરબન જિલ્લાના નાઇખોંગછારી વિસ્તારમાં આ ગતિવિધિ ચાલી રહી છે, જ્યાં હથિયારબંધ રોહિંગ્યા જૂથોની હાજરી લાંબા સમયથી ચર્ચાનો વિષય રહી છે. વિશ્વસનીય સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, સેના આ વિસ્તારમાં પોતાની હાજરી મજબૂત કરવા માટે માળખાકીય સુવિધાઓની તૈયારી કરી રહી છે.
સૂત્રોનું કહેવું છે કે પસંદ કરાયેલા વિસ્તારમાં ઝંડા લગાવીને સીમા નક્કી કરવાનું કામ ચાલી રહ્યું છે. આ જમીન નવા સૈન્ય કેન્દ્ર માટે અનામત રાખવામાં આવી રહી છે. નાઇખોંગછારી કોક્સ બજાર જિલ્લાના રામૂની આસપાસ આવેલું છે, જ્યાં બાંગ્લાદેશ સેનાના ૧૦મા ઇન્ફન્ટ્રી ડિવિઝનનું મુખ્યાલય પહેલેથી જ કાર્યરત છે. બાંદરબન જિલ્લાના છેલ્લું ગામ કેવક્રાડોંગ ત્રણ દેશો- બાંગ્લાદેશ, મ્યાનમાર અને ભારતના મિલન બિંદુની ખૂબ નજીક આવેલું છે. આ જ કારણ છે કે બાંગ્લાદેશનું આ પગલું ભારતની પણ ચિંતા વધારનારું છે.
ભારતીય સરહદ પર મિઝોરમનો ડુડુક્સોરા વિસ્તાર આવે છે, જ્યાં સરહદ સુરક્ષા દળની એકમ તહેનાત છે. આ જ ક્રમમાં ટેકનાફથી ઉત્તર તરફ સિલખાલી નામના નાના દરિયાકાંઠાના ગામમાં પણ ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે. અહીં જમીન સાફ કરવા અને સમતળ બનાવવાનું કામ શરૂ થઈ ગયું છે. સિલખાલી બંગાળની ખાડીના કિનારે વસેલું છે અને ટેકનાફથી લગભગ ૩૦ કિલોમીટર દૂર છે. નોર્થઈસ્ટ ન્યૂઝ અનુસાર, ગયા વર્ષે ફેબ્રુઆરીમાં સેનાના વડા જનરલ વાકર-ઉઝ-ઝમાને પોતે આ વિસ્તારની મુલાકાત લીધી હતી અને પુરવઠા મથક માટે યોગ્ય સ્થળની પસંદગી કરી હતી. આ મથક સૈન્ય પુરવઠા માટે મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે વિકસાવવામાં આવવાનું છે.
સેના અહીં પહેલેથી જ તોપખાનાની કવાયત માટે ફાયરિંગ રેન્જ ચલાવે છે. તેમાં મુખ્યત્વે તુર્કીમાં બનાવવામાં આવેલી ફીલ્ડ ગન, એન્ટી-ટેન્ક મિસાઇલ સિસ્ટમ, મોર્ટાર અને અન્ય નાના હથિયારોનો સમાવેશ થાય છે. તાજેતરના અહેવાલોમાં એ પણ સામે આવ્યું છે કે, બાંગ્લાદેશ તુર્કી પાસેથી આધુનિક ડ્રોન અને હવાઈ સંરક્ષણ પ્રણાલીઓ ખરીદવા અંગે વિચાર કરી રહ્યું છે. આવી સ્થિતિમાં સ્વાભાવિક રીતે સવાલ ઊભો થાય છે કે શું નવી છાવણીમાં આ તુર્કીના હથિયારો પણ તહેનાત કરવામાં આવશે. નાઇખોંગછારી અને સિલખાલી જેવા સ્થળોએ સૈન્ય વિસ્તરણની આ યોજના સરહદ સુરક્ષાની દૃષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. રોહિંગ્યા લડાકુઓની હાજરી ધરાવતા વિસ્તારમાં સેનાની વધતી ગતિવિધિઓ પ્રાદેશિક સુરક્ષાની સ્થિતિને અસર કરી શકે છે. ત્રણ દેશોની સરહદ નજીક હોવાના કારણે ભારત પણ તેના પર નજર રાખી રહ્યું છે. જમીનની નિશાની કરવાથી લઈને પુરવઠા મથકની સ્થાપના સુધીની તૈયારીઓ દર્શાવે છે કે યોજના વ્યવસ્થિત રીતે આગળ વધી રહી છે, જે ભારતને સાવધાન રહેવાની ચેતવણી આપી રહી છે.




