
ગિરધરનગર ડબલ મર્ડર ગણેશ વિસર્જનમાં ઢોલ વગાડવા મુદ્દે થયેલી હત્યાના એક આરોપીને આજીવન કેદ ૩ મહિલાનો પુરાવાના અભાવે છૂટકારો; કેસ ‘રેરેસ્ટ ઓફ રેર’ ન ગણાતા કોર્ટે ફાંસીની સજાની માગ નકારી ગિરધરનગર વિસ્તારમાં વર્ષ ૨૦૧૮માં ગણેશ વિસર્જન દરમિયાન સામાન્ય બાબતે થયેલી તકરારમાં બે વ્યક્તિની કરપીણ હત્યા થઇ હતી. આ કેસમાં અમદાવાદની સેશન્સ કોર્ટે મુખ્ય આરોપી વિજય ઉર્ફે બોબી સોલંકીને કસૂરવાર ઠેરવી આજીવન કેદની સજા ફટકારી છે. જાેકે, આ કેસમાં અન્ય ત્રણ મહિલા આરોપીઓ વિરુદ્ધ પૂરતા પુરાવા ન મળતા કોર્ટે તેમને નિર્દાેષ જાહેર કર્યા છે. આ સાથે જ એડિશનલ સેશન્સ જજ પી.પી. પટેલે ચુકાદો આપતા નોંધ્યું હતું કે, આરોપી સામે હત્યાનો ગંભીર ગુનો સાબિત થાય છે અને સમાજમાં દાખલો બેસે તે માટે કડક સજા થવી અનિવાર્ય છે. કેસ ‘રેરેસ્ટ ઓફ રેર’ ન ગણાતા કોર્ટે ફાંસીની સજાની માગ નકારી દીધી હતી. ૨૩ સપ્ટેમ્બર ૨૦૧૮ના રોજ ગિરધરનગરમાં ગણેશ વિસર્જનની તૈયારીઓ ચાલી રહી હતી. આ દરમિયાન ઢોલ વગાડવા જેવી મામુલી બાબતે વિજય સોલંકી અને તેના સાગરીતોએ તકરાર કરી હતી. આવેશમાં આવી ગયેલા વિજયે તલવાર વડે અશોકભાઈ પર જીવલેણ હુમલો કર્યાે હતો, જ્યારે તેના ભાઈ ગૌરાંગ ઉર્ફે સન્નીએ નિલેશભાઈ અને ફરિયાદી ભરતભાઈ પર છરીથી હુમલો કર્યાે હતો. ગંભીર ઈજાઓને કારણે અશોકભાઈ અને નિલેશભાઈનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ કેસમાં શાહીબાગ પોલીસે કુલ પાંચ શખ્સોની ધરપકડ કરી હતી. ત્યારાબાદ આરોપીઓ સામે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. આ કેસ ચાલવા પર આવતા સરકારી વકીલ ધવલ પી. મહેતાએ આ કેસને ‘રેરેસ્ટ ઓફ રેર’ ગણીને આરોપીને ફાંસીની સજા આપવા દલીલ કરતા જણાવ્યું હતું કે, ઢોલ વગાડવા જેવી સામાન્ય બાબતે વિજય સોલંકી અને તેના સાગરીતોએ અન્ય પક્ષ સાથે તકરાર કરી હતી.ઉશ્કેરાયેલા વિજયે તલવાર વડે અશોકભાઈ પર હુમલો કર્યાે હતો, જ્યારે તેના ભાઈ ગૌરાંગ ઉર્ફે સન્નીએ છરી વડે નિલેશભાઈ અને ફરિયાદી ભરતભાઈને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી.આ હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા અશોકભાઈ અને નિલેશભાઈનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે ગંભીર ગુનો છે ત્યારે આરોપીઓને સખ્તમાં સખ્ત સજા કરવી જાેઇએ. બન્ને પક્ષની રજૂઆત બાદ કોર્ટે આરોપી વિજયને આજીવન કેદની સજા ફટકારી છે. જ્યારે ઈન્દુબેન, કવિતાબેન અને ભાવનાબેન વિરુદ્ધ પૂરતા પુરાવાઓ રજૂ ન કરી શકાતા કોર્ટે તેમને શંકાનો લાભ આપી છોડી મૂકવાનો આદેશ કર્યાે છે. ઉલ્લેખનીય છે કે, અન્ય એક આરોપી ગૌરાંગ જામીન પર છૂટ્યા બાદ ફરાર થઈ ગયો હોવાથી તેની સામેનો કેસ અલગથી ચલાવવામાં આવી રહ્યો છે.



