
પારો ૪૪ ડિગ્રીને પાર પહોંચતા જનજીવન પ્રભાવિત થયું છે.ઓરેન્જ એલર્ટ વચ્ચે ટ્રાફિક સિગ્નલ બંધ રાખવાની જાહેરાત માત્ર કાગળ પર.૪૪ ડિગ્રી તાપમાનમાં સિગ્નલ પર ૬૦ થી ૯૦ સેકન્ડ સુધી ઊભા રહેવું વાહનચાલકો માટે સજા સમાન બની ગયું છે.અમદાવાદ શહેરમાં ગરમીએ માઝા મૂકી છે. હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલા ‘ઓરેન્જ એલર્ટ‘ના પગલે આખું શહેર અંગ દઝાડતી ગરમીમાં શેકાઈ રહ્યું છે. પારો ૪૪ ડિગ્રીને પાર પહોંચતા જનજીવન પ્રભાવિત થયું છે, ત્યારે સૌથી વધુ કફોડી હાલત રસ્તા પર નીકળેલા વાહનચાલકોની થઈ રહી છે.
ભીષણ ગરમીને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ તંત્ર દ્વારા અગાઉ બપોરના સમયે ટ્રાફિક સિગ્નલ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી, જેથી વાહનચાલકોને ધોમધખતા તાપમાં ઊભા ન રહેવું પડે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ જાેવા મળી રહી છે.
અમદાવાદ શહેરના વ્યસ્ત એવા નહેરુનગર, અંજલી અને પાંજરાપોળ જેવા વિસ્તારોમાં બપોરના સમયે પણ ટ્રાફિક સિગ્નલ ચાલુ જાેવા મળ્યા હતા.
૪૪ ડિગ્રી તાપમાનમાં સિગ્નલ પર ૬૦ થી ૯૦ સેકન્ડ સુધી ઊભા રહેવું વાહનચાલકો માટે સજા સમાન બની ગયું છે. ગરમીથી પરેશાન શહેરીજનો માગ કરી રહ્યા છે કે, તંત્ર દ્વારા કરવામાં આવેલી જાહેરાતનો અમલ જમીન સ્તર પર કરવામાં આવે અને બપોરે ૧૨ થી ૪ વાગ્યા દરમિયાન સિગ્નલો બંધ રાખવામાં આવે અથવા તેનો સમય ઘટાડવામાં આવે. જાે આગામી દિવસોમાં ગરમી વધશે તો હીટસ્ટ્રોકના કિસ્સાઓ વધવાની પણ ભીતિ સેવાઈ રહી છે.



