અમદાવાદ શહેરના આનંદનગર પોલીસ સ્ટેશન ખાતેના લુંટના બનાવમાં જીવના જોખમે લુંટના આરોપીઓને મુદ્દામાલ સાથે પકડી પાડનાર કર્મચારીઓને અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર દ્વારા પ્રસંશાપત્ર તથા ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યાં છે.
આનંદનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઇ તા.4 નેવેમ્બરના રોજ આનંદનગર 100 ફુટ રોડ પર આવેલ સેલ પેટ્રોલ પમ્પ ખાતે આવેલ સી સ્ટોરની અંદરના કાઉન્ટર પાસે જઈ બે અજાણ્યા ઇસમોએ કાઉન્ટર પર બેઠેલા મેનેજરને પિસ્તોલ બતાવી રૂ.43160/-ના મુદ્દામાલની લુંટ કરી ભાગતા હતા.
આ દરમ્યાન આનંદનગર પોલીસ સ્ટેશનના અનાર્મ પો.કોન્સ.વિરેન્દ્રસિંહ કિરિટસિંહ તથા અનાર્મ પો.કોન્સ.રાજેશભાઇ અરશીભાઇ ત્યાં પહોંચી જઈ આરોપીઓનો પીછો કરતા ગુનેગારોએ તેમની સામે પિસ્તોલ તાકી હોવા છતા કુનેહપુર્વક ત્વરિતતાથી આરોપી પાસેની પિસ્તોલ તેના હાથમાંથી પાડી દઈ આરોપીઓને જાનના જોખમે પકડી પાડી મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
આવા ગંભીર પ્રકારના ગુન્હાના આરોપીને જીવના જોખમે પકડી પાડવા તથા લુંટનો મુદ્દામાલ જપ્ત કરવા માટે બહાદુરી પુર્વકની કામગીરી કરવા બદલ અમદાવાદ શહેર પોલીસ કમિશ્નીર જી.એસ.મલિકે કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ કિરિટસિંહ તથા કોન્સ્ટેબલ રાજેશભાઇ અરશીભાઇને પ્રસંશાપત્ર એનાયત કરી રૂપિયા દસ-દસ હજારનું ઇનામ આપી સન્માનિત કર્યા છે.