
(નીડર, નિષ્પક્ષ, તટસ્થ છગનલાલ મેવાડા) સુરત
સુરતમાં છેલ્લા 15 દિવસમાં પડેલા ધોધમાર વરસાદને કારણે આવેલા ખાડીપૂરથી ખાડીની આજુબાજુના વિસ્તારના લોકો અને માર્કેટના વેપારીઓને જે કરોડોનું નુકસાન થયું છે ત્યારે એવી જ પરિસ્થિતિ જેવી ભારે વરસાદના કારણે સુરત શહેરની તમામ ગલીઓ,શેરીઓ અને ચોક બજાર થી લઈને શહેરના તમામ રોડ-રસ્તાઓ ભ્રષ્ટાચારીઓ ના પાપે તકલાદી સાબિત થઈ તૂટી ગયા છે. જેનો ભોગ રસ્તે ચાલનારાથી લઈને વાહન ચાલકો બની રહ્યા છે. છતાં સત્તાના મદમાં રહેલા SMC ના અધિકારીઓ અને પદાધિકારીઓ કાયમી ધોરણે નિરાકરણ લાવવામાં સદંતર નિષ્ફળ સાબિત થયા છે.
જે રીતે વર્ષો વર્ષના વરસાદથી ખાડી પૂર આવે છે અને લોકોને નુકસાન થાય છે છતાં 30-30 વર્ષમાં આ ભ્રષ્ટ શાસકો દ્વારા ખાડીપુર બાબતે કોઈ નક્કર કાયમી ધોરણે ઉપાય શોધી શકવામાં માત્ર ને માત્ર વાતોના વડા કરવા સિવાય કોઈ કામગીરી કરી હોય એવી બાબત હાલતો દેખાતી નથી. અને એના પાપે જ ખાડીની આજુબાજુના શ્રમજીવીઓને જાનમાલનું નુકશાન વેઠવાનો વારો આવે છે. જે રીતે ખાડીપુર રોકવામાં શાસકો અને અધિકારીઓ વામણા સાબિત થઈ રહ્યા છે એ જ રીતે શહેરના તમામ વિસ્તારોમાં પડેલા ઊંડા ઊંડા ખાડા બાબતે પણ થાગડ થીંગડ સિવાય સંપૂર્ણ પણે રોડ બનાવવામાં પણ નિષ્ફળ સાબિત થઈ રહ્યા છે. ત્યારે અહીં સવાલ એ થાય છે કે સુરતના રસ્તા પર ડામર તથા રી-કાર્પેટ અને કરોડોના રોડની વાતો માત્ર કાગળ ઉપરના વિકાસની જ વાતો છે?




