
મોદીના ૭૬મા જન્મદિનને યાદગાર બનાવાશે ૭૬ મહિલાઓને ૭૬ સ્વસ્થ દેશી ગીર ગાયો અપાશે આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી પણ હાજર રહેશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ૭૬મા જન્મદિવસ નિમિત્તે સમગ્ર ગુજરાત અને દેશભરમાં વિવિધ જનકલ્યાણકારી, ધાર્મિક તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. પીએમ મોદીના સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના ૨૫ વર્ષની ઉજવણીના ભાગરૂપે યોજાનારા વિશેષ આયોજનોની રૂપરેખા આપવામાં આવી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં પીએમ મોદીના ૭૬મા જન્મદિનને યાદગાર બનાવવા ૭૬ જરૂરિયાતમંદ, આદિવાસી અને BPL પરિવારોની મહિલાઓને ૭૬ સ્વસ્થ દેશી ગીર ગાયોનું દાન કરવામાં આવશે. દસ્ક્રોઈના ધારાસભ્ય બાબુભાઈ જામનાદાસ પટેલ અને તેમના પરિવાર દ્વારા સંચાલિત સીતાવન ગીર ગૌશાળા દ્વારા આ વિશિષ્ટ પહેલ હાથ ધરાઈ છે. લાભાર્થી મહિલાઓને સન્માનપૂર્વક ઘર સુધી ગાય પહોંચાડવા સાથે પશુ આહાર, રસીકરણ અને આરોગ્ય પ્રમાણપત્ર પણ અપાશે.
ભારતીય જનતા યુવા મોરચા દ્વારા ૧૭ સપ્ટેમ્બરથી ૭ ઑક્ટોબર દરમિયાન વડનગરથી વારાણસી અને વારાણસીથી વડનગર એમ બંને દિશામાં વિશાળ બાઈક રેલીનું આયોજન કરાયું છે. પ્રધાનમંત્રીના સંસદીય ક્ષેત્ર વારાણસી ખાતે NDA ના પ્રમુખ સહયોગીઓ અને કેન્દ્રીય મંત્રીઓની હાજરીમાં ભવ્ય આયોજન કરાયું છે. શ્રી કાશી વિશ્વનાથ મંદિરમાં બાબાનો જલાભિષેક, ડમરૂ વાદન અને પીએમના ઉત્તમ સ્વાસ્થ્ય માટે વિશેષ પ્રાર્થનાનું આયોજન કરવામાં આવ્યું છે. ભાજપનું ‘સેવા સંકલ્પ અભિયાન’ ૧૭ સપ્ટેમ્બરથી ૧૭ ઓક્ટોબર સુધી ચાલવાનું છે. તેમાં યુવાનો સાથે જાેડાયેલા કાર્યક્રમો ઉપરાંત સેવા, સ્વચ્છતા, પાણી સંરક્ષણ અને અન્ય જનસંપર્ક પ્રવૃત્તિઓનું આયોજન કરાયું છે. બાઈક યાત્રાનું સમાપન ૭ ઓક્ટોબરે થશે, જે દિવસે નરેન્દ્ર મોદીએ ૨૦૦૧માં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા બાદ જાહેર પદ પર ૨૫ વર્ષ પૂર્ણ કર્યાનું ભાજપ દ્વારા જણાવાયું છે.




