
વાડજમાં પતિના ત્રાસથી કંટાળીને પરિણીતાએ પિયરમાં છઠ્ઠા માળેથી કૂદીને આપઘાત કર્યાે વાડજ પોલીસે પરિણીતાના પતિ સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી : પત્નીની માનસિક સ્થિતિ સારી ન હોવાનો દાવો કરાયો વાડજ પિયરમાં રહેતી પરિણીતાએ પતિના ત્રાસથી કંટાળીને આપઘાત કર્યાે હતો. લગ્નના પાંચ દિવસ બાદથી જ પતિ માનસિક ત્રાસ આપીને ડિવોર્સ આપવાની ધમકી આપતો હતો. જેથી પરિણીતાએ કંટાળીને ફ્લેટના છઠ્ઠા માળેથી કુદીને આપઘાત કર્યાે હતો.
વાડજ પોલીસે પરિણીતાના પતિ સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.નવા વાડજમાં આવેલા મંગલાગૌરી રેસિડેન્સી ખાતેના પિયરમાં છ માસથી રહેતા આશાબેનના ૧૫ વર્ષ અગાઉ રાજસ્થાનના વિપુલ શર્મા સાથે લગ્ન થયા હતા. લગ્નના પાંચ દિવસ બાદથી પતિ વિપુલે માનસિક ટોર્ચર કરવાનું શરૂ કર્યું હતું. પતિ વિપુલ અવાર નવાર માર મારતો હતો અને ડિવોર્સ આપવાની ધમકી આપતો હતો. ગત નવેમ્બર માસમાં આશાબેનની સાસુએ માતાને ફોન કરીને “આશા આપકો યાદ કરકે બહુત રોતી હૈ” તેમ કહીને અમદાવાદ મોકલી હતી. જે બાદ ગત ફેબ્રુઆરી માસમાં વિપુલ અમદાવાદ આવ્યો ત્યારે પણ તેણે ત્રાસ આપીને આશાબેન સાથે ઝઘડો કર્યાે હતો. વિપુલે આશા કો નહિ લે જાઉંગા, રખલો તુમ ઇધર હી, ઔર આશા કો એક હી શર્ત પે લે જાઉંગા, આશા કો લે જાકે એક સાલ તક દેખુંગા ઔર મુજે ઠીક લગા તો રખુંગા વરના ડિવોર્સ દે દુંગા, ઔર ૨૮ તક આશા કો ભેજ દો વર્ના ઉસકે બાદ નહિ લે જાઉંગા તેવી ધમકી આપી હતી. જે બાદ વિપુલ રાજસ્થાન જતો રહ્યો હતો. રાજસ્થાન ગયા બાદ વિપુલે ૧૯ માર્ચે ફોન પર ફરી ધમકી આપી હતી. જેથી કંટાળીને આશાબેને ગત તા.૨૦ માર્ચે ફ્લેટના છઠ્ઠા માળેથી કુદીને આપઘાત કર્યાે હતો. આ મામલે પોલીસને જાણ કરાતા વાડજ પોલીસે અકસ્માત મોત નોંધી બાદમાં હવે મૃતક આશાબેનના પતિ વિપુલ શર્મા સામે દુષ્પેરણાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આશાબેન પિયરમાં આવ્યા ત્યારે પરિવારના સભ્યોને તેમની માનસિક સ્થિતિ સારી ન જણાતા વસ્ત્રાપુર ખાતેના એક દવાખાનામાં સારવાર કરાવી હતી. એક અઠવાડિયા સુધી તેમની દવા કરાવીને ઘરે લાવવામાં આવ્યા હતા.




