Gujarati News: રાજ્યમાં કાળઝાળ ગરમી શરુ થઈ ચૂકી છે. જેમાં 14 શહેરોમાં તાપમાન 36 ડિગ્રી પાર નોંધાયું છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના તમામ શહેરોમાં તાપમાનનો પારો ઉચો ગયો છે. રાજ્યમાં તાપમાનનો પારો 38 ડિગ્રી પર પહોચ્યો છે. નલિયામાં સૌથી વધુ 38.0 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદની વાત કરીએ તો શહેરનું તાપમાન 36.1 ડિગ્રી નોંધાયું છે અને હજુ રાજ્યમાં તાપમાન ઉંચકાવવાની આગાહી કરાઈ છે.
નલિયામાં સૌથી વધુ 38.0 ડિગ્રી તાપમાન નોંધાયું
રાજ્યમાં માર્ચ મહિનાના પહેલા સપ્તાહથી ઠંડીએ ધીમેધીમે વિદાય લીધી છે અને ઉનાળાનો પ્રારંભ થતા ગરમીનું પ્રમાણ વધ્યુ છે. જો કે તાપમાનનો પારો ઉચકાતા લોકોએ હવે કાળઝાળ ગરમી સહન કરવી પડશે. ઉનાળાનો ધીમા પગલે પ્રારંભ થઈ ગયો છે. આ વર્ષે શરૂઆતથી જ તાપમાન ઉંચકાવા માંડયુ છે. જેના પગલે હોળી પહેલાં કાળઝાળ ગરમીનો સામનો કરવા લોકોએ તૈયાર રહેવુ પડશે. છેલ્લા ચારેક દિવસથી રાત્રે થોડી ઘણી હજુ ઠંડક અનુભવાય છે પરંતુ દિવસે સવારથી જ ગરમી પડી રહી છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોનુ મહત્તમ તાપમાન 36 ડિગ્રીની આસપાસ નોંધાયુ છે. આ મહિનાના અંતમાં હજુ તાપમાન ઉંચકાવાની હવામાન વિભાગે આગાહી કરી છે. બીજી તરફ ગ્રામ્ય વિસ્તારોમાં તળાવો પણ સૂકાવા લાગ્યા છે અને ગરમીની શરૂઆત થતાં જ બોર અને કૂવાના તળ પણ ઊંડા જઈ રહ્યા છે.
બપોરના સમયે તો આકરી ગરમી અનુભવાઈ રહી છે
આ વર્ષે માર્ચના પહેલા સપ્તાહમાં ગરમીનો પ્રારંભ થઈ ગયો છે. પરિણામે હજુ ઉનાળાના ચાર મહિના લોકોને કાળઝાળ ગરમીનો સામનો કરવો પડશે. રાજ્યમાં માર્ચ મહિનામાં મહત્તમ તાપમાન ઉંચકાઈને 38 ડિગ્રીની આસપાસ પહોંચી જતાં બપોરના સમયે તો આકરી ગરમી અનુભવાઈ રહી છે. રવિવારે રાજ્યમાં ઉનાળાની અસર જોવા મળી હતી. જેમાં સૌથી ઉંચુ મહત્તમ તાપમાન નલિયામાં 38 ડિગ્રી નોંધાયુ હતુ. જ્યારે 14 શહેરોમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રીથી ઉપર પહોચ્યુ છે. મહાશિવરાત્રિના પર્વ બાદ ગરમીનો રાઉન્ડ શરૂ થઈ ગયો છે અને હોળી પહેલાં તો આકરી ગરમી પડવાની શક્યતાઓ રહેલી છે. હાલ સવારના 10 વાગ્યા બાદ ગરમી પડવાની શરૂઆત થઈ રહી છે અને બપોરના સમયે તો આકરા તાપનો અનુભવ થવા લાગ્યો છે. ત્યારે આગામી દિવસોમાં હજુ મહત્તમ તાપમાન ઉંચકાતાં લોકોને આકરી ગરમી સહન કરવી પડશે. મોડી રાત્રે અને વહેલી સવારે ઠંડક અને દિવસે ગરમીને પગલે મિશ્ર ઋતુ થઇ છે ત્યારે તેની અસર લોકોના આરોગ્ય પર પડી રહી છે. બદલાતા વાતાવરણ સાથે લોકોમાં તાવ,શરદી,ઉધરસ સહિતની બીમારીઓમાં વધારો થવાનો પણ ભય રહેલો છે. થોડા દિવસ અગાઉ કડકડતી ઠંડી અને વાદળછાયા વાતાવરણને કારણે વાયરલ બીમારીઓ વકરી હતી. હવે ડબલ ઋતુને કારણે લોકોના આરોગ્ય ઉપર સીધી અસર થવાની દહેશત રહેલી છે.
રાજ્યમાં 24 કલાકમાં નોંધાયેલ તાપમાનના આંકડા
- અમદાવાદ 36.1 ડિગ્રી
- ગાંધીનગર 36.0 ડિગ્રી
- ડીસા 36.5 ડિગ્રી
- વડોદરા 36.4 ડિગ્રી
- અમરેલી 37.6 ડિગ્રી
- ભાવનગર 33.6 ડિગ્રી
- રાજકોટ 37.9 ડિગ્રી
- સુરેન્દ્રનગર 37.3 ડિગ્રી
- પોરબંદર 36.5 ડિગ્રી
- ભુજ 37.4 ડિગ્રી
- નલિયા 38.0 ડિગ્રી
- કંડલા 36.7 ડિગ્રી
- કેશોદ 37.2 ડિગ્રી