
ગુજરાતમાં લોકમેળાનો પ્રારંભ થશે.આજથી તરણેતરના પ્રસિદ્ધ ભાતીગળ લોકમેળાનો પ્રારંભ.તા. ૨૬ થી ૨૯ ઓગસ્ટ સુધી ભક્તિભાવ અને ઉલ્લાસના વાતાવરણમાં યોજાશ.સુરેન્દ્રનગર: સૌરાષ્ટ્રની લોકસંસ્કૃતિ, પરંપરા અને આધ્યાત્મિકતાને ઉજાગર કરતો સુપ્રસિદ્ધ તરણેતરનો લોકમેળો ભાદરવા સુદ કેવડા ત્રીજ થી છઠ્ઠ સુધી એટલે કે તા. ૨૬ થી ૨૯ ઓગસ્ટ સુધી ભક્તિભાવ અને ઉલ્લાસના વાતાવરણમાં યોજાશે. સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં યોજાતા આ મેળામાં લોકનૃત્ય, સંતવાણી, ગ્રામીણ રમતોત્સવ અને સાંસ્કૃતિક સ્પર્ધાઓ સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
આ લોકમેળામાં ભાદરવા સુદ ત્રીજ (કેવડા ત્રીજ) તા. ૨૬ ઓગસ્ટના રોજ પ્રવાસનમંત્રી મુળુભાઈ બેરા, પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની ઉપસ્થિતિમાં સવારે ૦૯:૩૦ કલાકે ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવનું કેવડાથી પૂજન અર્ચન અને જલાભિષેક કરવામાં આવશે. ત્યારબાદ સવારે ૧૦:૩૦ કલાકે દીપ પ્રાગટ્ય કરી પશુ મેળો અને પ્રદર્શન, ગ્રામીણ રમતોત્સવ, પારંપરિક ગ્રામીણ સ્પર્ધાઓનું ઉદ્દઘાટન મંત્રીઓના વરદહસ્તે કરવામાં આવશે. ગ્રામ પંચાયત દ્વારા રાત્રે ૦૯:૩૦ કલાકે મેળાના સ્ટેજ પર વિવિધ રાવટીના ભક્તજનોની સંતવાણીનો કાર્યક્રમ યોજાશે. ભાદરવા સુદ ચોથ ગણેશ ચતુર્થી તા. ૨૭ ઓગસ્ટના રોજ સાંજે ૫:૩૦ કલાકે પાળિયાદના પૂ. વિસામણ બાપુની જગ્યાના મહંત ૧૦૦૮ મહામંડલેશ્વર પૂ. ર્નિમળાબા ઉનડબાપુના હસ્તે ધ્વજારોહણ થશે.
આ દિવસે રાત્રે ૯ કલાકે મેળાના સ્ટેજ પર સુરેન્દ્રનગર જિલ્લા માહિતી કચેરી દ્વારા લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે, જે ગુજરાતના લોકકલાકારોને માણવાનો અનેરો અવસર પૂરો પાડશે.




