
કવાંટ તાલુકાના મોટી સાંકળથી રામી ડેમ તરફ જવાના માર્ગમાં આવતો પુલ ફરી ચોથા વર્ષે પણ ધોવાયો અને જેના કારણે લોકોને અવરજવરમાં ખૂબ જ પરેશાની થઈ રહી છે અને કલાક પહેલા એક પ્રસૂતાને આરોગ્ય કર્મીઓ 2 કિલોમીટર ચાલતા લઇ જવા મજબૂર બન્યા હતા. આમ આદમી પાર્ટીના છોટા ઉદેપુર જિલ્લા પ્રમુખ રાધિકા રાઠવાએ આ સ્થળની મુલાકાત લીધી હતી અને પોતાની વાત રજુ કરતા જણાવ્યું હતું કે, રામી ડેમનો ખાંડીબારા તરફ જવાના રસ્તાનો પ્રશ્ન અનેક વર્ષોથી ચાલી રહ્યો છે. અહીંયા વ્યવસ્થિત રોડ બનતા નથી. ઘણી વખત ખાલી પુરાણ કરીને તંત્ર સમસ્યાનું સમાધાન કરે છે. ગઈકાલે વાદળ ફાટ્યા અને ખૂબ જ વરસાદ થયો જેના કારણે રામી ડેમનો રોડ ધોવાઈ ગયો છે. હમણાં એક કલાક પહેલા એક પ્રસૂતાને ઝોળીમાં લઈને ગયા.
વધુમાં આમ આદમી પાર્ટીના નેતા રાધિકા રાઠવાએ જણાવ્યું હતું કે, સરકારને હું અપીલ કરવા માંગુ છું કે આ રસ્તા માટે તમે તાત્કાલિક પુલ મંજૂર કરો, ના કે કોઝવે કે ખાલી પુરાણ કરો. રામી ડેમ ઓવરફ્લો થઈ ગયો છે અને રામી ડેમનું પાણી અહીંયા બાજુમાં નદીએ થઈને નીકળે છે. આ ખૂબ જ જોખમી જગ્યા બની ગઈ છે કારણ કે રાત્રે જો કોઈ અહીંયા આવી જાય અને એમની સાથે કોઈ ઘટના ઘટી જાય તો એનો જવાબદાર કોણ રહેશે? આ રોડ ખૂબ જ ગંભીર બની ગયો છે માટે તંત્રએ ગંભીરતાથી વિચારે અને તાત્કાલિક ધોરણે અહીંયા એક પુલ બનાવે એવી અમારી માંગણી છે.




