ગોદાવરી અને પેન્નાર નદીઓને જોડવાના આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુના પ્રસ્તાવને કેન્દ્ર સરકારે સંમતિ આપી છે. તેલુગુ દેશમ પાર્ટીએ શુક્રવારે કહ્યું કે કેન્દ્રએ પણ રાજ્યની રાજધાની અમરાવતીના નિર્માણમાં ભાગ લેવાના સિંગાપોરના પ્રસ્તાવને લીલી ઝંડી આપી દીધી છે.
ટીડીપી સાંસદ લવુ કૃષ્ણદેવરાલુએ કહ્યું કે કેન્દ્ર સરકારે બે નદીઓને જોડવાના પ્રસ્તાવને લીલી ઝંડી આપી દીધી છે, જે રાજ્યના પછાત રાયલસીમા ક્ષેત્રના વિકાસ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ અને વિદેશ મંત્રી એસ જયશંકરની નાડુના મુખ્યમંત્રી સાથેની બેઠક બાદ તેમણે આ જાહેરાત કરી હતી. નાણામંત્રીએ પોલાવરમ પ્રોજેક્ટને પૂર્ણ કરવા માટે શક્ય તમામ મદદ પૂરી પાડવા માટે પણ સંમતિ દર્શાવી હતી.
તેલંગાણાના મુખ્ય પ્રધાન એ. રેવન્થ રેડ્ડીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ કેન્દ્ર સરકાર પર આવતા વર્ષની વસ્તી ગણતરીમાં જાતિની ગણતરીનો સમાવેશ કરવા દબાણ કરશે. જેથી રાજકીય, શૈક્ષણિક અને રોજગારમાં અનામતની 50 ટકા મર્યાદાને પાર કરી શકાય.
દરમિયાન કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે કહ્યું કે તેલંગાણા જાતિ સર્વેક્ષણ કરીને ઈતિહાસ રચી રહ્યું છે. જ્યારે કેન્દ્ર સરકાર દર દાયકામાં રાષ્ટ્રીય સ્તરની વસ્તી ગણતરી કરવામાં નિષ્ફળ રહી છે. ચિલ્ડ્રન્સ ડે પર આયોજિત એક કાર્યક્રમમાં બોલતા તેલંગાણાના મુખ્યમંત્રી રેડ્ડીએ કહ્યું કે રાજ્ય સરકાર દ્વારા ચાલી રહેલા જાતિ સર્વેક્ષણને સફળ બનાવવું જોઈએ જેથી કરીને લોકોને તેનો હેતુ સમજાય.
વળી, અનામત વધારી શકાય અને વસ્તીના પ્રમાણમાં સંસાધનોની જોગવાઈ કરવી જોઈએ. તેમણે કહ્યું કે કેટલાક લોકો ખોટી અફવા ફેલાવી રહ્યા છે કે સર્વેની વિગતો જાહેર થશે તો સરકારી સુવિધાઓ બંધ થઈ જશે. પરંતુ આનો લાભ માત્ર ઇચ્છિત લાભાર્થીઓને જ મળશે. જાતિ સર્વેક્ષણને સમાજના મેગા-હેલ્થ ચેકઅપ તરીકે વર્ણવતા, તેમણે કહ્યું કે સરકાર લોકો પાસેથી સંબંધિત વિગતો એકત્રિત કર્યા પછી દરેકને કલ્યાણકારી યોજનાઓનો લાભ આપવા માંગે છે.
નોંધનીય છે કે તેલંગાણા સરકારે 9 નવેમ્બરથી કોંગ્રેસ શાસિત આ રાજ્યમાં ‘વ્યાપક સામાજિક, આર્થિક, રોજગાર, રાજકીય અને જાતિ સર્વેક્ષણ’ શરૂ કરવાનું ઐતિહાસિક પગલું ભર્યું છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ચૂંટણી દરમિયાન રાજ્યમાં જાતિ ગણતરી કરાવવાનું વચન આપ્યું હતું.
દરમિયાન, નવી દિલ્હીમાં કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે કહ્યું કે જાતિ સર્વેક્ષણ સામાજિક ન્યાય માટે એક ક્રાંતિકારી પગલું છે. આ વહીવટી ક્ષમતા વધારવાની કવાયત છે. તેમણે એક્સ પર જણાવ્યું કે આ મેરેથોન લક્ષ્યાંકમાં 80 હજાર લોકો કામ કરી રહ્યા છે જેઓ 33 જિલ્લાના 1.17 પરિવારોનો સર્વે કરી રહ્યા છે.