
દિવાળીના તહેવારોમાં ગામમાં સન્નાટો રહે છે હિમાચલના એક શ્રાપિત ગામમાં વર્ષોથી દિવાળી નથી ઉજવાતી ગામમાં એવી માન્યતા છે કે જાે કોઇ દિવાળીની ઉજવણીનો પ્રયાસ પણ કરે છે તો તે ગામમાં હોનારત અથવા અકાળ મૃત્યુ થઇ જાય છે ભારતમાં દીપાવલીના તહેવારની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. આ એવો તહેવાર છે, જેનો લોકો આતુરતાથી રાહ જાેતા હોય છે અને તે હર્ષાેલ્લાસથી ઉજવાય છે. તમામ સ્થળોએ ફટાકડાની ગૂંજ અને દીવાઓની રોશની સંભળાય અને દેખાય છે. સજાવટથી ઘરો અને બજારોમાં અનોખા અનુભવની લાગણી અનુભવાય છે. જાેકે હિમાચલ પ્રદેશના હમીરપુર જિલ્લાનું આ ગામ છેલ્લાં અનેક દાયકાથી દીપાવલીનો તહેવાર ઉજવતો નથી. આ ગામને આજે પણ લોકો શાપિત ગામ તરીકે ઓળખે છે. જાેકે જાણવાની વાત એ છે કે જિલ્લા વડામથકથી આશરે ૨૫ કિલોમીટર દૂર સ્થિતિ સમ્મુ ગામના લોકો દીવાળીના દિવસે ઘરે ભોજનની સારી વાનગી પણ નથી બનાવતાં, ઘરોમાં કોઇ સજાવટ પણ નથી કરતા. એટલું જ નહિં ઉત્સવની ઉજવણીનો પ્રયાસ પણ કરાતો નથી. ગામમાં એવી માન્યતા છે કે જાે કોઇ દિવાળીની ઉજવણીનો પ્રયાસ પણ કરે છે તો તે ગામમાં હોનારત અથવા અકાળ મૃત્યુ થઇ જાય છે. જેના ડરથી લોકો દિવાળીની ઉજવણીની હિંમત નથી કરતા.ગામના વૃદ્ધોનું કહેવું છે કે આ શ્રાપ સેંકડો વર્ષ જૂનો છે. કહેવાય છે કે પ્રથમ વિશ્વ યુદ્ધ દરમિયાન દીપાવલીના દિવસે ગામની એક મહિલા પોતાના પીયર જવા નીકળી હતી. એ સમયે તેના પતિનું મૃત્યુ થઇ જાય છે. સેનામાં નોકરી કરતાં પતિનો મૃતદેહ લઇને ગામના લોકો પાછા આવે છે અને તે દ્રશ્ય ગર્ભવતી મહિલા સહન કરી શકતી નથી. તે પણ પોતાના પતિના મૃતદેહની સાથે સતી થઇ જાય છે. એ પછી ગામના લોકોએ દિવાળીની ઉજવણી કરી નથી. ગામના એક રહેવાસીનું કહેવું છે કે એવું નથી કે કોઇએ એ પછી દિવાળીની ઉજવણીનો કોઇ પ્રયાસ નથી કર્યાે. જે કોઇ પણ આવું કરે છે તો કોઇના કોઇનું મોત થઇ જાય છે અથવા કોઇ અનિચ્છિત ઘટના થઇ જાય છે. તેમણે એવું પણ કહ્યું કે પૂજા-પાઠ કરીને શ્રાપમાંથી મુક્તિ મેળવવાનો પ્રયાસ કરાયો હતો. પરંતુ તેની કોઇ અસર થઇ નથી. એક મહિલા જણાવે છે કે દીપાવલીનો તહેવાર આવે છે ત્યારે અમે દુખી થઇ જઇએ છીએ. મનમાં એક ભાર છવાઇ જાય છે. ચારેબાજુ રોશની અને ખુશીનો માહોલ હોય છે, પરંતુ અમારા ગામમાં સન્નાટો રહે છે. જાેઇએ હવે શ્રાપમાંથી મુક્તિ ક્યારે મળે છે?
