
ગોડાઉનના પતરાના બોલ્ટ ખોલીને શખ્સે ઘૂસીને ચોરીને અંજામ જુહાપુરાના જાણીતા ગુજરાત ફ્રીઝના ગોડાઉનમાંથી ૨૦ લાખ રોકડની ચોરી સીસીટીવીમાં રાત્રે બે વાગ્યે એક શખ્સ ગોડાઉનમાં પ્રવેશતા દેખાયો હોવાથી પોલીસે તે દિશામાં તપાસ શરૂ કરી સરખેજ જુહાપુરા રોડ પર આવેલી જાણીતા ગુજરાત ફ્રીઝના ગોડાઉનમાંથી રોકડા ૨૦ લાખની ચોરી થવા પામી છે. આ મામલે પોલીસને જાણ કરાતા વેજલપુર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ ચોરી કરનાર શખ્સ કોઇ જાણભેદુ હોવાની શંકા પણ પોલીસે વ્યક્ત કરી છે. જુહાપુરામાં આવેલી ગુલપોસ પાર્ક સોસાયટીમાં રહેતા અસ્લમભાઇ પરમાર સરખેજ જુહાપુરા રોડ પર ગુજરાત ફ્રીઝ નામથી ફ્રીઝ અને વોશિંગ મશીનનો વેપાર કરે છે. આ વેપારમાં અસ્લમભાઇના સગા માસા ઇરફાનભાઇ કેશિયરનું કામ સંભાળે છે. ગત શુક્રવારે રાત્રે માલિક સહિતના લોકો રોકડા રૂપિયા ગોડાઉનમાં મૂકીને ઘરે ગયા હતા. ગત રવિવારે જ્યારે કર્મચારી નફીસ ગોડાઉને આવ્યો ત્યારે અન્ય કર્મચારીઓ પણ કામે આવ્યા હતા. તમામ લોકો સાફ સફાઇ કરી રહ્યા હતા ત્યારે હુસેન વકફ કમિટી તરફથી આપવામાં આવેલી દાનપેટી તુટેલી હાલતમાં હતી. જેથી અસ્લમભાઇએ તપાસ કરતા ડ્રોઅર પણ તુટેલું હતું. તપાસ કરતા આઠ દિવસના વકરાના ૨૦ લાખ રોકડા ચોરી થયા હતા. તસ્કરોએ ગોડાઉનની છતના પતરાના નટબોલ્ટ ખોલીને ગોડાઉનમાં ઘૂસીને ચોરીને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું હતું. આ મામલે પોલીસને જાણ કરાતા વેજલપુર પોલીસે ગુનો નોંધી ગોડાઉનના સીસીટીવી આધારે તપાસ હાથ ધરી છે. સીસીટીવીમાં રાત્રે બે વાગ્યે એક શખ્સ ગોડાઉનમાં પ્રવેશતા દેખાયો હોવાથી પોલીસે તે દિશામાં તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે દિવાળીના પર્વ દરમિયાન પોલીસે પેટ્રોલિંગ હાથ ધર્યું હોવા છતાં દિવસ રાત લોકોની અવર જવરથી ધમધમતા રોડ પર જ ચોરીનો બનાવ બનતા ક્રાઇમ બ્રાંચ સહિતની એજન્સીઓ કામે લાગી છે.
