
જમ્મુ-કાશ્મીરના રામબનમાં એક સેનાના જવાને પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી. આ ઘટના અંગે અધિકારીઓએ જણાવ્યું હતું કે રવિવારે વહેલી સવારે જમ્મુ અને કાશ્મીરના રામબન જિલ્લામાં એક આર્મી કેમ્પમાં એક સૈનિકે પોતાની સર્વિસ રાઇફલથી ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી.
અધિકારીઓએ જણાવ્યું હતું કે, 26 રાષ્ટ્રીય રાઇફલ્સમાં તૈનાત સિપાઈ વિજય કુમારે સવારે 3.40 વાગ્યે ધર્મુંડ લશ્કરી હોસ્પિટલમાં પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી. તેમના આ પગલા પાછળનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. તેમણે કહ્યું કે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રામબન જિલ્લા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, કુમાર રાજસ્થાનનો વતની હતો અને લગભગ બે મહિનાની રજા લીધા બાદ 28 માર્ચે ફરજ પર પાછો ફર્યો હતો.
જમ્મુમાં આંતરરાષ્ટ્રીય સરહદ પર પાકિસ્તાની ઘુસણખોરને ગોળી મારીને ઠાર મારવામાં આવ્યો
દરમિયાન, બીએસએફના પ્રવક્તાએ શનિવારે જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય સરહદ પર એક પાકિસ્તાની ઘુસણખોર માર્યો ગયો છે. તેમણે સરહદ પારથી ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવવાનો દાવો કર્યો હતો.
સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે, આરએસ પુરા સેક્ટરમાં અબ્દુલિયન બોર્ડર પોસ્ટ પર ઘુસણખોર માર્યો ગયો હતો.
બીએસએફના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ૪ અને ૫ એપ્રિલની રાત્રે, સતર્ક બીએસએફ સૈનિકોએ જમ્મુ સરહદી વિસ્તારમાં શંકાસ્પદ હિલચાલ જોઈ હતી અને એક ઘુસણખોર આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરતો જોવા મળ્યો હતો. તેમણે કહ્યું કે સૈનિકોએ ઘુસણખોરને પડકાર ફેંક્યો, પરંતુ તેણે કોઈ ધ્યાન આપ્યું નહીં અને આગળ વધતો રહ્યો.
તેમણે કહ્યું કે બીએસએફના જવાનોએ ખતરો સમજી લીધો અને ઘુસણખોરને મારી નાખ્યો. ઘુસણખોરની ઓળખ અને હેતુ શોધવામાં આવી રહ્યો છે.
બીએસએફના પ્રવક્તાએ જણાવ્યું હતું કે પાકિસ્તાની સમકક્ષ સમક્ષ આકરો વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે બીએસએફએ પોલીસને જાણ કરી હતી, જેમણે પોસ્ટમોર્ટમ અને અન્ય કાનૂની ઔપચારિકતાઓ માટે મૃતદેહને સ્થળ પરથી દૂર કર્યો હતો.
