
ભક્તોએ નવા વર્ષના દિવસે ઉદાર હાથે દાન આપ્યું છે.નવા વર્ષમાં શિરડી સાંઈ બાબા મંદિરમાં દાનનો થયો વરસાદ.નવા વર્ષમાં શિરડી સાંઈ બાબા મંદિરમાં દાનનો થયો વરસાદ.મહારાષ્ટ્રના શિરડી સાંઈ બાબા મંદિરમાં ભક્તોએ નવા વર્ષના દિવસે ઉદાર હાથે દાન આપ્યું છે. સંસ્થાના મુખ્ય કાર્યકારી અધિકારીએ જણાવ્યું હતું કે, એક જ દિવસમાં આશરે રૂપિયા ૨૩.૨૯ કરોડનું દાન આપવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે નાતાલની રજાઓ દરમિયાન, નવા વર્ષને વિદાય આપતા અને નવા વર્ષનું સ્વાગત કરતા લોકોએ તેમની શ્રદ્ધા અનુસાર દાન આપ્યું હતું.તેમણે વધુમાં જણાવ્યું કે દાન પેટીઓમાંથી કુલ રૂપિયા ૨૨,૦૨,૬૧,૦૦૬, દાન કાઉન્ટરમાંથી રૂપિયા ૩,૨૨,૪૩,૩૮૮, પીઆર ટોલ પાસમાંથી રૂપિયા ૨,૪૨,૬૦,૦૦૦, અને ડેબિટ/ક્રેડિટ કાર્ડ, ઓનલાઈન દાન, ચેક/ડીડી અને મની ઓર્ડર દ્વારા પણ દાન આપવામાં આવ્યું હતું, જે કુલ રૂપિયા ૧૦,૧૮,૮૬,૯૫૫ અને રૂપિયા ૧૬,૮૩,૬૭૩ વિદેશી ચલણમાં ૨૬ અલગ અલગ દેશોમાંથી આવ્યા હતા.
મુખ્ય કાર્યકારી અધિકારીએ માહિતી આપી હતી કે લોકોએ ઘરેણાં પણ દાન કર્યા છે. મંદિરમાં રૂપિયા ૩૬,૩૮,૬૧૦ની કિંમતનું સોનું (૨૯૩.૯૧૦ ગ્રામ) અને રૂપિયા ૯,૪૯,૭૪૧ની કિંમતનું ચાંદી (૦૫ કિલો ૯૮૩ ગ્રામ) દાન કરવામાં આવ્યું હતું. ઉપરાંત, નવા વર્ષના પહેલા દિવસે, શ્રી સાંઈ બાબાના ચરણોમાં ૬૫૫ ગ્રામ વજનનો સોના-હીરાનો મુગટ અને એક આકર્ષક નક્ષિકમ અર્પણ કરવામાં આવ્યું હતું. આ મુગટની કિંમત રૂપિયા ૮૦ લાખ હોવાનો અંદાજ છે અને તેમાં આશરે ૫૮૫ ગ્રામ શુદ્ધ સોનું અને આશરે ૧૫૩ કેરેટ કિંમતી હીરા છે.
આ રીતે સંસ્થાને વિવિધ સ્ત્રોતોમાંથી કુલ આશરે રૂપિયા ૨૩,૨૯,૨૩,,૩૭૩નું દાન પ્રાપ્ત થયું છે. ઉપરાંત, આ સમયગાળા દરમિયાન શ્રી સાંઈ પ્રસાદાલયમાં ૬ લાખથી વધુ સાંઈ ભક્તોએ મફત પ્રસાદ ભોજનનો લાભ લીધો હતો. જ્યારે ૧,૦૯,૦૦૦થી વધુ સાંઈ ભક્તોએ ફૂડ પેકેટનો લાભ લીધો છે. ૭,૬૭,૪૪૪ લાડુ પ્રસાદ પેકેટ વેચાયા હતા, જેના દ્વારા ૨,૩૦,૨૩,૦૦૦ રૂપિયા પ્રાપ્ત થયા છે. ૫,૭૬,૪૦૦ સાંઈ ભક્તોએ મફત પ્રસાદ પેકેટનો લાભ લીધો છે.
મળતી માહિતી મુજબ શ્રી સાંઈબાબા સંસ્થાન દ્વારા પ્રાપ્ત દાનનો ઉપયોગ શ્રી સાંઈબાબા હોસ્પિટલ અને શ્રી સાંઈનાથ હોસ્પિટલ, શ્રી સાંઈ પ્રસાદાલય, સંસ્થાનની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં મફત ભોજન પૂરું પાડવા, બહારના દર્દીઓ માટે દાન, સાંઈ ભક્તોની સુવિધા માટે શરૂ કરવામાં આવી રહેલી વિવિધ પ્રવૃત્તિઓ અને વિવિધ સામાજિક કાર્યો માટે કરવામાં આવી રહ્યો છે.




