
ભારતીય સેનાની તાકાતમાં થશે વધારા સંરક્ષણ બજેટમાં ૧૫%નો વધારો કરવામાં આવ્યો ભારતીય સેનાના આધુનિકીકરણ પર વિશેષ ભાર મુકાયો.
વૈશ્વિક સ્તરે વધી રહેલા ભૌગોલિક-રાજકીય તણાવ અને સરહદી પડકારોને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે સંરક્ષણ ક્ષેત્રે સુરક્ષા કવચ વધુ મજબૂત કર્યું છે. નાણાંમંત્રી ર્નિમલા સીતારમણે બજેટ ૨૦૨૬માં સંરક્ષણ મંત્રાલય માટે ૭.૮ લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરી છે, જે ગત વર્ષના ૬.૮૧ લાખ કરોડ રૂપિયાની સરખામણીએ અંદાજે ૧૪થી ૧૫ ટકાનો મોટો વધારો દર્શાવે છે.
આ વખતના બજેટનું મુખ્ય આકર્ષણ સેનાનું આધુનિકીકરણ છે. સરકારે આધુનિક હથિયારો અને નવી ટેકનોલોજીના સમાવેશ માટે મૂડી બજેટમાં મોટો વધારો કર્યો છે. નવા સાધનો, ડ્રોન, મિસાઈલ અને ફાઈટર જેટની ખરીદી માટે ગત વર્ષના ૧.૮૦ લાખ કરોડ રૂપિયાથી વધારીને ૨.૧૯ લાખ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. આ બજેટનો ઉપયોગ સેનાને આધુનિક ડ્રોન સિસ્ટમ, લાંબી દૂરીની મિસાઇલો અને સાયબર સુરક્ષા માળખાથી સજ્જ કરવા માટે થશે.
વિશ્વભરમાં રશિયા-યુક્રેન અને મધ્ય પૂર્વના યુદ્ધો તેમજ ભારતની ચીન અને પાકિસ્તાન સાથેની સરહદો પર સતત બદલાતી પરિસ્થિતિને જાેતા આ વધારો અત્યંત મહત્ત્વનો માનવામાં આવે છે. સેનાને ‘ટુ-ફ્રન્ટ વોર‘ માટે તૈયાર રાખવા અને આર્ત્મનિભર ભારત હેઠળ સ્વદેશી સંરક્ષણ ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા આ પગલું લેવાયું છે.
કેન્દ્રીય બજેટ ૨૦૨૫માં સંરક્ષણ ક્ષેત્ર માટે કુલ ૬.૮ લાખ કરોડ રૂપિયાના બજેટની જાહેરાત કરવામાં આવી હતી. વર્ષ ૨૦૨૪ માટે ભારતનું સંરક્ષણ બજેટ ૬.૨૧ લાખ કરોડ રૂપિયા હતું, જે ૨૦૨૩-૨૪ નાણાકીય વર્ષની સરખામણીમાં ૪.૭૯ ટકાનો વધારો દર્શાવે છે, જ્યારે કુલ બજેટ ફાળવણી ૫.૯૪ લાખ કરોડ રૂપિયા હતું.




