
(નીડર, નિષ્પક્ષ, તટસ્થ છગનલાલ મેવાડા) સુરત.
દેશમાં “વિકસિત ભારત” જેવા રૂપાળા સૂત્રોથી ભારત વિકસિત થવાનું નથી કે “બેટી બચાવો, બેટી પઢાવો” અને મહિલા સશક્તિકરણ જેવા સૂત્રોથી બેટીઓ બળાત્કારીઓ થી બચવાનીકે મોંઘી ખાનગી શિક્ષણ સંસ્થાઓ ને કારણે બેટીઓ ભણવાની નથી. સ્ત્રી સશક્તિકરણ સાર્થક થવાનું નથી. કારણકે એના માટે સરકારે દીકરીઓના અભ્યાસની ચિંતાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવી જોઈએ.
કારણકે રૂપાળા સૂત્રો અને વાસ્તવિકતા વચ્ચેનું અંતર ત્યારે ખુલ્લુ પડે છે જ્યારે માધ્યમિક શિક્ષણના તબક્કે પહોંચેલી દીકરીઓ શાળા છોડવા લાગે છે. અહીં સવાલ માત્ર એટલો નથી કે કેટલી દીકરીઓ શાળામાં દાખલ થઈ. અસલી સવાલ એ છે કે કેટલી દીકરીઓ દસમાં ધોરણ સુધી પહોંચી અને પોતાનું શિક્ષણપૂર્ણ કરી શકી? જ્યારે તાજેતરના જાહેર થયેલા આંકડા ચેતવણી આપે છે કે માધ્યમિક સ્તરે છોકરીઓનો શાળા છોડી દેવાનો (ડ્રોપ આઉટ) પ્રશ્ન હજુ ગંભીર છે. કેન્દ્ર સરકાર ધ્વારા સંસદમાં રજૂ કરાયેલા આંકડા મુજબ માધ્યમિક સ્તરે દીકરીઓનો ડ્રોપ આઉટ દર નોંધપાત્ર રીતે વધુ રહ્યો છે.
આ પરિસ્થિતીને માત્ર ગરીબીના ખાતામાં નાંખીને સરકાર પોતાની જવાબદારીમાંથી છટકી શકે નહીં. ગરીબી ચોક્કસપણે એક મોટું કારણ છે.પરંતુ દીકરીઓના અભ્યાસ છોડી દેવાના (ડ્રોપ આઉટ) પાછળ ઘરકામ, નાની ઉંમરે લગ્નનું દબાણ, પરિવારની આર્થિક મુશ્કેલીઓ સલામત પરિવાહનનો અભાવ, નજીકમાં માધ્યમિક શાળાની અછત અને સામાજિક માનસિકતા જેવા અનેક પરિબળો કામ કરે છે. એટલે આ કોઈ એક વિભાગનો પ્રશ્ન નથી.આ શિક્ષણ, મહિલા અને બાળ વિકાસ, સામાજિક ન્યાય અને સ્થાનિક શાસનની સંયુકત નિષ્ફળતા છે.
જ્યારે વિચિત્ર બાબત એ છે કે સરકારો શાળા પ્રવેશના અભિયાનને પોતાની મોટી સિધ્ધી તરીકે રજૂ કરે છે. હજારો કાર્યક્રમો યોજાય છે. રેલીઓ નીકળે છે, બાળકોના પ્રવેશોત્સવની તસવીરો પ્રસિધ્ધ થાય છે. પરંતુ પ્રવેશ પછીએ બાળકોનું શું થાય છે તેની ચિંતા એટલી દેખાતી નથી.
આમ દીકરી શાળામાં દાખલ થઈએ દિવસે સરકારના કેમેરા પહોંચે છે પરંતુ તે છ મહિના પછી શાળામાં છે કે નહીં તે જોવા માટે કોઈ વ્યવસ્થા છે પછી? સરકાર માટે હવે માત્ર નવા પ્રવેશના આંકડા બતાવવાનો સમય પૂરો થયો એને બદલે દીકરીઓ શાળા છોડે એની પાછળના કારણો જાણવાનો પ્રયાસ કરવો જોઈએ.




