
હૃદય તથા મગજ માટે ખૂબ ખતરનાક તમાકુ મુક્ત નિકોટિન પાઉચ પર સરકારે લગાવ્યો પ્રતિબંધ PECA 2019 અને FSSAI હેઠળ ઓનલાઈન-ઓફલાઈન બજારો પર કાર્યવાહી કરવામાં આવશે
યુવાનોમાં ઝડપથી લોકપ્રિય થઈ રહેલા તમાકુ મુક્ત નિકોટિન પાઉચના વેચાણ, જાહેરાત અને ડિસ્ટ્રિબ્યુશન પર સરકારે રોક લગાવી દીધી છે. સાથે જ નિકોટિન પાઉચને જપ્ત કરવાનો પણ આદેશ આપ્યો છે. તમાકુ-મુક્તના નામે વેચાઈ રહેલા આ સિન્થેટિક નિકોટિન પાઉચને આરોગ્ય નિષ્ણાતોએ યુવાનો માટે અત્યંત નશીલા અને હૃદય તથા મગજ માટે ખૂબ જ ખતરનાક ગણાવ્યા છે.
સરકાર દ્વારા પાનના ગલ્લા, ઈ-કોમર્સ સાઈટ્સ અને સોશિયલ મીડિયા દ્વારા યુવાનોને લક્ષ્ય બનાવતા આ નવા પ્રકારના નશાના પ્રસાર પર પૂર્ણપણે રોક લગાવવા માટે આ કડક પગલું ભરવામાં આવ્યું છે. દેશમાં તમાકુના કારણે દર વર્ષે ૧૩.૫ લાખ લોકોના મોત થાય છે.
જણાવી દઈએ કે મોટી તમાકુ કંપનીઓ હવે સિગરેટના વિકલ્પ તરીકે નિકોટિન પાઉચને પ્રોત્સાહન આપી રહી છે. આ પાઉચથી કંપનીઓને સારો નફો અને ઝડપી વૃદ્ધિ મળી રહી છે. સાથે જ તેના પર હજુ સુધી કડક નિયમો પણ લાગુ નથી. સરકારે ઈ-સિગરેટ પર તો સંપૂર્ણપણે બેન લગાવી દીધો હતો, પરંતુ નિકોટિન પેચ અને ચ્યુઈંગ ગમ જેવી વસ્તુઓને વેચવાની મંજૂરી આપી રાખેલ છે.
નિકોટિન પાઉચના નાના-નાના પેકેટ હોય છે, જેને હોઠ અને પેઢા વચ્ચે રાખવામાં આવે છે. તેમાં નિકોટિન હોય છે, પરંતુ તમાકુ હોતું નથી. તેને ભારતમાં વેચવાની કોઈ સરકારી મંજૂરી નથી, તેથી આ સંપૂર્ણપણે ગેરકાયદે છે. આમ છતાં એમની તસ્કરી કરીને તેમને ચોરી-છૂપીથી ઓનલાઈન કે સ્થાનિક દુકાનો પર વેચવામાં આવી રહ્યા છે. એક સરકારી અભ્યાસ મુજબ, કોઈ પણ નિયમ-કાયદા વગર વેચાઈ રહેલા આ પાઉચ લોકોના આરોગ્ય માટે ગંભીર ચિંતાનો વિષય છે.
૧૮ થી ૪૦ વર્ષના યુવાનો વચ્ચે ઝિન અને વ્હાઈટ ફોક્સ જેવી વિદેશી બ્રાન્ડ્સનો ક્રેઝ ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે.




