
વિરાટ કોહલીની જાહેરાતથી ચાહકો સ્તબ્ધ ૨૦૨૭નો વનડે વર્લ્ડ કપ મારો છેલ્લો હશે : વિરાટ કોહલી કોહલીએ જણાવ્યું છે કે તેઓ પોતાની આ અંતિમ વૈશ્વિક સ્પર્ધામાં દેશને ટ્રોફી અપાવવા સર્વસ્વ ન્યોછાવર કરી દેશે ભારતીય ક્રિકેટ ટીમના રન મશીન અને કરોડો ચાહકોના હૃદયસમ્રાટ વિરાટ કોહલીએ પોતાની નિવૃત્તિને લઈને એક અત્યંત ભાવનાત્મક નિવેદન આપ્યું છે. તાજેતરમાં જ એક મુલાકાત દરમિયાન કોહલીએ સ્પષ્ટતા કરી છે કે વર્ષ ૨૦૨૭માં રમાનારો આઇસીસી (ICC) વનડે વર્લ્ડ કપ તેમની ઝળહળતી આંતરરાષ્ટ્રીય કારકિર્દીની છેલ્લી મેગા ટુર્નામેન્ટ રહેશે. ૨૦૧૧ના વર્લ્ડ કપ વિજેતા ભારતીય ટીમનો મહત્ત્વનો હિસ્સો રહેલા કોહલીએ જણાવ્યું છે કે તેઓ પોતાની આ અંતિમ વૈશ્વિક સ્પર્ધામાં દેશને ટ્રોફી અપાવવા માટે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી દેશે.
આગામી ૨૦૨૭નો વનડે વર્લ્ડ કપ દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયાની ધરતી પર સંયુક્ત રીતે યોજાવા જઈ રહ્યો છે. આ ટુર્નામેન્ટ ૪ ઓક્ટોબરથી શરૂ થઈને ૨૧ નવેમ્બર સુધી ચાલશે. મોટાભાગની મહત્ત્વપૂર્ણ મેચો દક્ષિણ આફ્રિકામાં રમાવાની છે, જે ભારતીય ચાહકો માટે એક સકારાત્મક પાસું છે કારણ કે દક્ષિણ આફ્રિકાની પિચો પર વિરાટ કોહલીની સરેરાશ (એવરેજ) ૭૬.૩૮ રહી છે. આ વખતે આઇસીસી દ્વારા વર્લ્ડ કપના ફોર્મેટમાં પણ મોટો બદલાવ કરવામાં આવ્યો છે. ૨૦૨૭ના વર્લ્ડ કપમાં કુલ ૧૪ ટીમો ટ્રોફી માટે મેદાનમાં ઉતરશે. નવા નિયમો અનુસાર, રેન્કિંગમાં નીચે રહેલી ૩ ટીમો વચ્ચે સુપર ૩ શ્રેણી રમાશે અને ત્યારબાદ ૧૨ ટીમો વચ્ચે સુપર ૭ તબક્કાની રોમાંચક મેચો જાેવા મળશે.
જિયો હોટસ્ટાર સાથેની વિશેષ વાતચીતમાં વિરાટ કોહલીએ પોતાના લક્ષ્યાંકો વિશે વાત કરતાં કહ્યું હતું કે, “આગામી વર્લ્ડ કપ વિદેશી પરિસ્થિતિઓમાં રમાવાનો છે, જેમાં ખેલાડીઓને અત્યંત ઊર્જા અને સખત મહેનતની જરૂર પડશે. આ મારો છેલ્લો વર્લ્ડ કપ હશે, અને તે જ મારા માટે સૌથી મોટો પ્રેરણાસ્રોત છે. હું તેમાં મારું સર્વસ્વ આપીશ.”
૫૦ ઓવરના ફોર્મેટના શારીરિક અને માનસિક પડકારો વિશે વાત કરતા તેમણે ઉમેર્યું કે વનડે મેચ રમવી એ એક જ દિવસમાં ૨.૫ ટી૨૦ (T20) મેચ રમવા બરાબર છે. એક લાંબી ટુર્નામેન્ટ દરમિયાન આવી ૧૦ જેટલી મેચો રમવી એ કોઈપણ ખેલાડી માટે ખરેખર કઠિન પડકાર બની રહે છે.
અત્યાર સુધીમાં કોહલી ૨૦૧૧ અને ૨૦૨૩ એમ ૨ વખત વર્લ્ડ કપની ફાઇનલ રમી ચૂક્યા છે, અને રસપ્રદ વાત એ છે કે આ બંને ફાઇનલ ભારતીય ધરતી પર જ રમાઈ હતી. ૨૦૧૧ની ઐતિહાસિક ફાઇનલમાં જ્યારે ભારતીય ટીમે શરૂઆતી વિકેટો ગુમાવી દીધી હતી, ત્યારે કોહલીએ શ્રીલંકા સામે નિર્ણાયક તબક્કે ૩૫ રનની અત્યંત મૂલ્યવાન ઇનિંગ્સ રમીને ટીમને સ્થિરતા પ્રદાન કરી હતી. તાજેતરમાં ૨૦૨૩ના વર્લ્ડ કપ ફાઇનલમાં પણ વિરાટે શાનદાર ૫૪ રન બનાવ્યા હતા, જાેકે કમનસીબે ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા સામે ૬ વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો.




