
૭૫% સંપત્તિ દાન કરીશ, પુત્રને આપેલું વચન પાળીશ.દીકરાના નિધન બાદ ભાંગી પડ્યા વેદાંતા ગ્રુપના ચેરમેન.અનિલ અગ્રવાલે કહ્યું હતું કે તેમણે જે કંઈ પણ કમાયું છે, તેનો મોટો હિસ્સો સમાજને પાછો આપવામાં આવશે.વેદાંતા ગ્રુપના ચેરમેન અનિલ અગ્રવાલ હાલમાં તેમના જીવનના સૌથી મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. તેમના પુત્ર અગ્નિવેશ અગ્રવાલના અચાનક નિધને તેમને અંદરથી ભાંગી નાખ્યા છે. આ ઊંડા દુ:ખની વચ્ચે, તેમણે પોતાનો એક મોટો ર્નિણય ફરીથી દોહરાવ્યો છે, જેણે સૌનું ધ્યાન ખેંચ્યું છે. અનિલ અગ્રવાલે કહ્યું છે કે તેઓ તેમની ૭૫% થી વધુ સંપત્તિ સામાજિક કાર્યો માટે દાન કરશે અને હવે પછીનું જીવન વધુ સાદગીથી જીવશે.
અનિલ અગ્રવાલે પોતાની એક ભાવુક પોસ્ટમાં લખ્યું છે કે તેમણે આ વચન તેમના પુત્ર અગ્નિવેશને આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે તેમણે જે કંઈ પણ કમાયું છે, તેનો મોટો હિસ્સો સમાજને પાછો આપવામાં આવશે. પુત્રના અવસાન બાદ, તેમણે આ સંકલ્પને વધુ મજબૂત બનાવ્યો છે અને કહ્યું છે કે હવે તેમનું બાકીનું જીવન આ જ ઉદ્દેશ્ય માટે સમર્પિત રહેશે.
૪૯ વર્ષની ઉંમરે અગ્નિવેશ અગ્રવાલનું અમેરિકામાં સારવાર દરમિયાન કાર્ડિયાક અરેસ્ટથી નિધન થયું હતું. એક પિતા માટે યુવાન પુત્રને ગુમાવવાથી મોટું કોઈ દુ:ખ નથી. અનિલ અગ્રવાલે લખ્યું કે તેઓ અને તેમના પત્ની કિરણ અગ્રવાલ સંપૂર્ણપણે ભાંગી પડ્યા છે, પરંતુ વેદાંતામાં કામ કરનાર દરેક વ્યક્તિ તેમને પોતાના સંતાન જેવો લાગે છે.
અનિલ અગ્રવાલ વેદાંતા રિસોર્સિસના સ્થાપક અને ચેરમેન છે. તેમણે ૧૯૭૬માં વેદાંતા ગ્રુપની શરૂઆત કરી હતી.
૧૯૫૪માં પટના, બિહારમાં જન્મેલા અનિલ અગ્રવાલે ખૂબ જ નાની ઉંમરે પોતાના પિતા સાથે ભંગારના વ્યવસાયથી શરૂઆત કરી હતી. માત્ર ૧૯ વર્ષની ઉંમરે તેઓ મુંબઈ પહોંચ્યા અને અનેક મુશ્કેલીઓનો સામનો કર્યા પછી વેદાંતા ગ્રુપની સ્થાપના કરી. આજે વેદાંતા મેટલ, માઇનિંગ, પાવર અને ઓઇલ જેવા મોટા ક્ષેત્રોમાં કામ કરે છે.
ફોર્બ્સ મુજબ, અનિલ અગ્રવાલ અને તેમના પરિવારની કુલ નેટવર્થ ૪.૨ અબજ ડોલર છે, જે ભારતીય રૂપિયામાં લગભગ ૩૫,૦૦૦ કરોડ જેટલી થાય છે. તેમણે પુત્રના નિધન પહેલાં જ જાહેરાત કરી દીધી હતી કે આ સંપત્તિનો ૭૫% હિસ્સો સમાજને આપવામાં આવશે.
અનિલ અગ્રવાલે લખ્યું કે તેમનું અને તેમના પુત્રનું સપનું એક જ હતું – ભારતને આર્ત્મનિભર બનાવવું, કોઈ બાળક ભૂખ્યું ન સૂવે, દરેક બાળક ભણે, મહિલાઓ મજબૂત બને અને યુવાનોને કામ મળે. તેમણે કહ્યું કે પુત્ર વિના જિંદગી અધૂરી છે, પરંતુ તેના સપના અધૂરા નહીં રહે.




