
(નીડર, નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા દ્વારા) સુરત
ભારત ચીન પછીનો સૌથી વધુ ડાયાબિટીસના દર્દીઓ ધરાવતો દેશ છે. જે એક વિકરાળ અને ભયાનક આરોગ્ય સંકટનો સામનો કરી રહ્યો છે. આ આંકડા માત્ર ચોંકાવનારા નથી, પણ આપણા ભવિષ્ય સામે ઊભેલા લાલ બત્તી જેવા ગંભીર જોખમની ચેતવણી આપે છે.અનિયમિત જીવન શૈલી, બેઠાડું જીવન અને અસ્વસ્થ ખાનપાન ને કારણે ભારતીયોમાં મેદસ્વિતા એટલે કે સ્થૂળતા રોગચાળાની માફક વકરી રહી છે. વજન વધવું એ કેવળ સુંદરતા કે બાહ્ય દેખાવ નો પ્રશ્ન નથી રહ્યો, પણ હૃદયરોગ, હાઈ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ જેવી જીવલેણ બીમારીઓનું મૂળ કારણ બની ગયો છે.
જ્યારે સમાજમાં પાતળા દેખાવાની અને રાતોરાત વજન ઘટાડવાની ઘેલછા વધે છે, ત્યારે માનવીના સ્વાસ્થ્ય સાથે ખેલ ખેલવા નફાખોરો મેદાન માં આવે છે. અને આનો લાભ લઈને મેડીકલ માફિયાઓની સિન્ડીકેટ હવે જીવનરક્ષક દવાઓના નકલી ઉત્પાદન અને વેચાણ સુધી પહોંચી ગઈ છે.
આ નકલી દવાઓનો કાળો કારોબાર અત્યંત ઘાતક સ્વરૂપો માં ચાલી રહ્યો છે. સંપૂર્ણ નકલી પ્રોડક્ટ્સ. આ કિસ્સામાં પેકેજિંગ, લેબલિંગ, લોગો અને પેન-ઇન્જેક્ટર બિલકુલ અસલી નોવો નોર્ડિસ્ક કે એલી લિલી જેવું જ દેખાય છે. અંદર માત્ર સાદું ખારું પાણી (સેલાઇન વોટર), કલર્ડ લિક્વિડ અથવા તો સસ્તું ઇન્સ્યુલિન ભરેલું હોય છે. કલ્પના કરો કે જે વ્યક્તિ ડાયાબિટીસની દર્દી નથી, તે વજન ઘટાડવાની લાલચમાં આવું ઈન્જેક્શન લે અને તેમાં ઇન્સ્યુલિન નીકળે, તો તેનું બ્લડ સુગર અચાનક અત્યંત નીચે જઈ શકે છે. આ સ્થિતિ દર્દીને કોમામાં ધકેલી શકે છે અથવા સ્થળ પર જ તેનું મૃત્યુ નીપજાવી શકે છે. વિદેશોમાં અને હવે ભારતના કેટલાક વિસ્તારોમાં આવા ગંભીર કિસ્સા નોંધાયા છે જ્યાં લોકો વજન ઉતારવાની ઘેલછામાં અજાણ્યા લોકો પાસેથી ઓઝેમ્પિકના નામે નકલી પ્રવાહી શરીરમાં ઈન્જેક્ટ કરીને સીધા આઈસીયુ માં પહોંચ્યા છે.
આમ જેનરિકના ઓઠા હેઠળ બજારમાં ફરતું કોઈપણ બિન-બ્રાન્ડેડ પ્રવાહી જીવન બચાવનારું નથી હોતું, એ કાળમુખું ઝેર પણ હોઈ શકે છે. જેનરિક દવાનો અર્થ સસ્તી દવા જરૂર થાય છે. પણ એનો અર્થ એ નથી કે બધી જ દવાઓ અસલી હોય. જો સામાન્ય જનતા સમયસર નહીં જાગે, તો મેદસ્વિતા અને ડાયાબિટીસ ઘટાડવાની આ ક્રાંતિ ભારતના લાખો પરિવારો માટે એક ક્યારેય ન પુરાય તેવી કાળી હોનારત બનીને ત્રાટકશે. માટે અસલી-નકલી ની પરખ કરવા માટે થઈ જાઓ સાવધાન!




