ગ્રીસના વડા પ્રધાન કિરિયાકોસ મિત્સોટાકિસ મંગળવારે નવી દિલ્હી પહોંચ્યા હતા. રાષ્ટ્રપતિ ભવન ખાતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમનું સ્વાગત કર્યું હતું અને ઔપચારિક ગાર્ડ ઑફ ઓનર આપ્યું હતું. આ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગ્રીસના વડા પ્રધાન કિરિયાકોસ મિત્સોટાકિસ વચ્ચે પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત પણ થઈ હતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગ્રીકના વડા પ્રધાન કિરિયાકોસ મિત્સોટાકિસ સાથે સંયુક્ત પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, ‘વડાપ્રધાન મિત્સોટાકિસ અને તેમના પ્રતિનિધિમંડળનું ભારતમાં સ્વાગત કરતાં મને ખૂબ આનંદ થાય છે. ગયા વર્ષે મારી ગ્રીસની મુલાકાત પછી તેમની ભારતની મુલાકાત એ બંને દેશો વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારી મજબૂત થવાનો સંકેત છે અને 16 વર્ષ પછી ગ્રીસના વડા પ્રધાનની ભારત મુલાકાત એ એક ઐતિહાસિક ઉજવણી છે. અમારી આજની ચર્ચાઓ ખૂબ અર્થપૂર્ણ હતી.
ઈન્ડો-પેસિફિકમાં ગ્રીસની ભાગીદારીનું સ્વાગત
પીએમ મોદીએ કહ્યું, ‘આજની બેઠકમાં અમે ઘણા ક્ષેત્રીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચા કરી. અમે સંમત છીએ કે તમામ વિવાદો અને તણાવનો ઉકેલ વાતચીત અને કૂટનીતિ દ્વારા થવો જોઈએ. અમે ઈન્ડો-પેસિફિકમાં ગ્રીસની ભાગીદારી અને સકારાત્મક ભૂમિકાને આવકારીએ છીએ. ભારત અને ગ્રીસ વૈશ્વિક શાંતિ અને સ્થિરતામાં યોગદાન આપવા માટે તેમના પ્રયાસો ચાલુ રાખશે.
પીએમ મોદીએ વધુમાં કહ્યું કે અમે બંને દેશોના સંરક્ષણ ઉદ્યોગોને જોડવા માટે સંમત થયા છીએ. આતંકવાદ સામેની લડાઈમાં ભારત અને ગ્રીસની સમાન ચિંતાઓ અને પ્રાથમિકતાઓ છે. અમે આ ક્ષેત્રમાં અમારો સહયોગ કેવી રીતે વધુ મજબૂત બનાવવો તેની વિગતવાર ચર્ચા કરી છે.
અમને મધ્ય પૂર્વમાં શાંતિની જરૂર છે
તે જ સમયે, PM મોદી સાથેની વાતચીત પછી, ગ્રીક PM Kyriakos Mitsotakisએ કહ્યું, ‘ભારત-મધ્ય પૂર્વ-યુરોપ કોરિડોર (IMEC) દ્વારા, અમે અમારી ભાગીદારીને આ વ્યૂહાત્મક ભાગીદારીના ખૂબ જ મહત્વપૂર્ણ પાસાં તરીકે જોઈએ છીએ. પરંતુ અલબત્ત, જેમ આપણે ચર્ચા કરી છે, આ હાંસલ કરવા માટે, અમને મધ્ય પૂર્વમાં શાંતિની જરૂર છે અને દરેક પ્રોજેક્ટ માટે સ્થિરતા એ આવશ્યક શરત છે.’
વિદેશ મંત્રી જયશંકરે ગ્રીસના પીએમ સાથે મુલાકાત કરી
આ પહેલા આજે વિદેશ મંત્રી એસ જયશંકરે ગ્રીકના વડાપ્રધાન કિરિયાકોસ સાથે મુલાકાત કરી હતી. જયશંકરે કહ્યું કે તેઓ ભારત અને ગ્રીસ વચ્ચેના સંબંધોને વધારવા માટે મિત્સોટાકિસની પ્રતિબદ્ધતાને મહત્ત્વ આપે છે.
મિત્સોટાકિસ મંગળવારે મોડી રાત્રે દિલ્હી પહોંચ્યા હતા. કેન્દ્રીય વિદેશ રાજ્ય મંત્રી મીનાક્ષી લેખીએ એરપોર્ટ પર ગ્રીક પીએમનું સ્વાગત કર્યું. નોંધનીય છે કે, મિત્સોટાકિસ આજથી શરૂ થતા ત્રણ દિવસીય રાયસિના ડાયલોગ 2024માં મુખ્ય અતિથિ અને મુખ્ય વક્તા છે.