
બીજા લગ્ન બાદ પિતાએ જ સંતાનોની કસ્ટડી પોતાના માતા-પિતાને સોંપી હતી.દાદા-દાદી પાસેથી બાળકોની કસ્ટડી માટેના કાનૂની જંગમાં પિતાની હાર.બાળકોની કસ્ટડીના કિસ્સામાં ચુકાદો આપતાં હાઇકોર્ટની ખંડપીઠે બાળકોનું હિત જ સર્વોપરિ હોવાનો ફેંસલો કર્યો.એક પિતા ખુદ તેના જ બે સંતાનોની કસ્ટડી માટે તેના માતા-પિતા અને બહેનો સાથે કાનૂની જંગ લડી રહ્યો હોય એવો વિચિત્ર મામલો હાઇકોર્ટ સમક્ષ પહોંચ્યો હતો. જેમાં હાઇકોર્ટે કાયદાની જાેગવાઇઓ ઉપરાંત બાળકોના હિતને સર્વાેપરિ રાખતાં તેમની કસ્ટડી દાદા-દાદી અને ફોઇ જાેડે જ રાખવાનો હુકમ કર્યાે હતો અને અરજદાર પિતાની અરજીને ફગાવી કાઢી હતી.હાઇકોર્ટની ખંડપીઠે ચુકાદામાં ઠરાવ્યું હતું કે,‘હિન્દુ માઇનોરિટી એન્ડ ગાર્જિયનશીપ એક્ટની જાેગવાઇ કહે છે કે જાે કોઇ વ્યક્તિને બાળકના વાલી તરીકે નિમવાના હોય ત્યારે તે કિસ્સામાં પણ બાળકનું હિત અને કલ્યાણ સર્વાેપરિ હોય એ સુનિશ્ચિત કરવાનું રહે છે. આ કોર્ટનું માનવું છે કે પ્રસ્તુત કેસમાં પિતાએ ખુદ તેના બે સંતાનોની કસ્ટડી તેના માતા-પિતા અને બહેનોને સોંપી હતી, કેમ કે એમાં જ સંતાનોનું હિત તેને જણાતું હતું. ત્યારે અરજદાર પિતાને એવી દલીલ કરવાથી રોકવામાં આવે છે કે જાે સંતાનો તેના માતા-પિતા અને બહેનો સાથે સતત રહેશે તો તેની અવળી અસર પડશે.’આ કેસમાં અરજદાર પિતાએ ૧૪ વર્ષના પુત્ર અને નવ વર્ષની પુત્રીની કસ્ટડી માટે અરજી કરી હતી. જાેકે તેણે હેબિયસ કોર્પસ અરજી કરી હતી અને દાવો કર્યાે હતો કે ખુદ તેના માતા-પિતાએ તેના સંતાનોને ગેરકાયદેસર રીતે ગોંધી રાખ્યા છે. હાઇકોર્ટે આ કેસમાં ચુકાદો આપતાં નોંધ્યું હતું કે,‘કોર્ટે બંને બાળકો સાથે પણ વાતચીત કરી હતી અને ત્યારબાદ એવો નિષ્કર્ષ નીકળ્યો છે કે તેમનું હિત અને કલ્યાણ દાદા-દાદી અને ફોઇઓ સાથે જ જણાય છે. જેમની સાથે તેઓ જન્મથી જ રહે છે અને તેઓ તેમની સાથે સ્થિરતા, ભાવનાત્મક સુરક્ષા પણ અનુભવે છે.
આવા તબક્કે કાયદાની જાેગવાઇઓ મુજબ પણ અરજદાર પિતા કસ્ટડીની પાત્રતા સાબિત કરી શકતા નથી, કેમ કે બાળકોનું કલ્યાણ અન્ય લોકો સાથે હોવાનું સુચવે છે. તેથી જાે આ કેસના ગુણદોષને મુલવવામાં આવે તો પણ અરજદાર એવું ક્યાંય સિદ્ધ કરી શક્યા નથી કે હાલ સંતાનોની કસ્ટડી દાદા-દાદીથી લઇને તેને સોંપવાથી બાળકોના હિતનું રક્ષણ થશે.’આ કિસ્સો સુરતનો છે. અરજદાર પિતાના પહેલા લગ્નથી તેને બે સંતાનો થયા હતા. જાેકે એ લગ્નજીવન ટક્યુ નહોતું અને છુટાછેડા થઇ ગયા હતા. આ છુટાછેડામાં બંને બાળકોની કસ્ટડી અરજદાર પિતાને મળી હતી. ત્યારબાદ તે બંને સંતાનો સાથે ખુદ તેના જ માતા-પિતાના ઘરે રહેતો હતો. જાેકે થોડા વર્ષ બાદ તેણે બીજા લગ્ન કર્યા હતા અને ત્યારે તે બીજી પત્ની સાથે જુદો રહેવો જતો રહ્યો હતો. આ તબક્કે તેના માતા-પિતા અને કુટુંબના અન્ય સ્વજનોએ સંતાનોને માતા-પિતાના ઘરે જ રહેવા દેવાનું કહ્યું હતું. જે વાત અરજદારે સ્વીકારી હતી અને સંતાનોને માતા-પિતા અને બહેનો સાથે સ્વૈચ્છાએ જ રહેવા દેવાની છૂટ આપી હતી. જાેકે ત્યારબાદ વિવાદ થતાં તેણે સંતાનોની કસ્ટડી માટે કાનૂની જંગ શરૂ કર્યાે હતો. જેમાં ખુદ તેના જ માતા-પિતા અને બહેનોએ કોર્ટને જણાવ્યું હતું કે અરજદાર પિતા એક ટ્રેઇન્ડ ફિઝિયોથેરાપિસ્ટ છે, પરંતુ તેણે કામ કરવાનું બંધ કર્યું છે અને હેવી આલ્કોહોલિક અને સ્મોકર બની ગયો છે. જેના કારણે જ તેના પહેલા લગ્ન પણ તૂટી ગયા હતા. એટલું જ નહીં તે તંત્રમંત્ર ની વિદ્યા પણ શીખવા લાગ્યો હતો અને બાળકો સાથે ખરાબ વર્તન કરતો હતો. તેથી તેને કસ્ટડી સોંપવામાં બાળકોનું હિત જાેખમમાં મુકાશે.




